અયૂબ 24:1-25 GUBCS1970 - Bible AI

1સર્વશક્તિમાને સમયો કેમ નિશ્ચિત કર્યા નથી? જેઓ તેમને જાણે છે તેઓ તેમના દિવસો કેમ જોતા નથી?

2ખેતરની હદને ખસેડનાર લોક તો છે; તેઓ જુલમથી ટોળાને ચોરી જઈને તેમને ચરાવે છે.

3તેઓ અનાથોના ગધેડાઓને ચોરી જાય છે; અને વિધવાના બળદોને ગીરે મૂકવા માટે લઈ લે છે.

4તેઓ દરિદ્રીઓને માર્ગમાંથી કાઢી મૂકે છે. અને બધા ગરીબ લોક ભેગા થઈને છુપાઈ જાય છે.

5જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.

6ગરીબ બીજાના ખેતરમાં મોડી રાત સુધી ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે.

7તેઓ આખીરાત વસ્ત્ર વિના ઉઘાડા સૂઈ રહે છે, અને ઠંડીમાં ઓઢવાને તેમની પાસે કશું નથી.

8પર્વતો પર પડતાં ઝાપટાંથી તેઓ પલળે છે, અને ઓથ ન હોવાથી તેઓ ખડકને બાથ ભીડે છે.

9અનાથ બાળકોને માતાના ખોળામાંથી ઉપાડી લેવામાં આવે છે. તથા ગરીબોના અંગ પરનાં વસ્ત્ર ગીરે લેનારા પણ છે.

10તેઓને વસ્ત્ર વિના ફરવું પડે છે; તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે, છતાં પણ તેઓ ભૂખ્યા રહે છે.

11તેઓ આ માણસોના ઘરોમાં તેલ પીલે છે, અને દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષ પીલે છે અને તરસ્યા જ રહે છે.

12ઘણી વસ્તીવાળા નગરોમાંથી માણસો શોક કરે છે; ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તે છતાં ઈશ્વર તેઓના અન્યાયને ગણતા નથી.

13તેવો અજવાળા વિરુદ્ધ બળવો કરે છે; તેઓ તેનો માર્ગ જાણતા નથી અને તેમના માર્ગમાં ટકી રહેતા નથી.

14ખૂની માણસ અજવાળું થતાં જાગીને ગરીબો અને દરિદ્રીને મારી નાખે છે. અને રાત પડે ત્યારે તે ચોર જેવો હોય છે.

15જે વ્યક્તિ વ્યભિચાર કરે છે, તે સાંજ થવાની રાહ જુએ છે; તે એમ કહે છે કે, 'કોઈ મને જોશે નહિ.' તે તેનું મોં ઢાંકે છે.

16રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ચોરી કરે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં બારણાં બંધ કરીને પુરાઈ રહે છે; તેઓ અજવાળુ જોવા માંગતા નથી.

17કેમ કે સવાર તો તેઓને અંધકાર સમાન લાગે છે; કેમ કે તેઓ અંધકારનો ત્રાસ જાણે છે.

18દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે; પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે. તે દ્રાક્ષાવાડીમાં ફરી જવા પામતો નથી.

19અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે.

20જે ગર્ભે તેને રાખ્યો તે તેને ભૂલી જશે; કીડો મજાથી તેનું ભક્ષણ કરશે, તેને કોઈ યાદ નહિ કરે, આ રીતે, અનીતિને સડેલા વૃક્ષની જેમ ભાંગી નાખવામાં આવશે.

21નિ:સંતાન સ્ત્રીઓને તે સતાવે છે. તે વિધવાઓને સહાય કરતો નથી.

22તે પોતાના બળથી શક્તિશાળી માણસોને પણ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.

23હા, ઈશ્વર તેઓને નિર્ભય સ્થિતિ આપે છે. અને તે પર તેઓ આધાર રાખે છે; તેમની નજર તેઓના માર્ગો ઉપર છે.

24થોડા સમય માટે દુષ્ટ માણસ ઉચ્ચ સ્થાને ચઢે છે પણ થોડી મુદત પછી તે નષ્ટ થાય છે; હા, તેઓને અધમ સ્તિથિમાં લાવવામાં આવે છે; બીજા બધાની જેમ તે મરી જાય છે; અનાજના કણસલાંની જેમ તે કપાઈ જાય છે.

25જો એવું ના હોય તો મને જૂઠો પાડનાર; તથા મારી વાતને વ્યર્થ ગણનાર કોણ છે?''

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>