અયૂબ 28:1-28 GUBCS1970 - Bible AI

1રૂપાને માટે ખાણ હોય છે, અને સોનાને ગાળીને તેને શુદ્ધ બનાવવા માટે જગ્યા હોય છે.

2લોખંડ જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને તાંબુ ખડકમાંથી ગાળવામાં આવે છે.

3માણસ અંધકારને ભેદે છે, અને ઘોર અંધકાર તથા મૃત્યુછાયાના પથ્થરોને પણ, છેક છેડાથી શોધી કાઢે છે.

4માણસની વસ્તીથી દૂર તેઓ ખાણ ખોદે છે. ત્યાંથી પસાર થનાર તે ખાણ વિષે જાણતા નથી, તેઓ માણસોથી દૂર લટકે છે તેઓ આમતેમ ઝૂલે છે.

5ધરતીમાંથી અનાજ ઊગે છે અને તેની નીચે તો જાણે અગ્નિથી ઊકળતો હોય એવું છે.

6તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે.

7કોઈ શિકારી પક્ષી તે રસ્તો જાણતું નથી. બાજ પક્ષીની આંખે પણ તે રસ્તો જોયો નથી.

8વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યું નથી. મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી.

9તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે. તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.

10તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.

11તે નદીઓને વહેતી બંધ કરે છે અને ગુપ્ત બાબતો પ્રગટમાં લાવે છે.

12પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?

13મનુષ્ય ડહાપણની કિંમત જાણતો નથી; પૃથ્વી પરના લોકોમાં જ્ઞાન મળતું નથી.

14ઊંડાણ કહે છે, 'તે મારી પાસે નથી;' મહાસાગરો કહે છે, 'તે મારી પાસે નથી.'

15તે સોનાથી ખરીદી શકાય નહિ. તેની કિંમત બદલ ચાંદી પણ પર્યાપ્ત નથી.

16ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.

17સોના કે હીરા સાથે તેની તુલના થઈ શકે તેમ નથી. કે, ચોખ્ખા સોનાનાં આભૂષણ પણ તેને તોલે આવે નહિ.

18પરવાળાં કે સ્ફટિકમણિનું તો નામ જ ના લેવું; જ્ઞાનની કિંમત તો માણેક કરતાં પણ વધુ ઊંચી છે.

19કૂશ દેશનો પોખરાજ પણ તેની બરોબરી કરી શકે નહિ, શુદ્ધ સોનાથી પણ તેની બરોબરી થાય નહિ.

20ત્યારે બુદ્ધિ ક્યાંથી આવે છે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?

21કેમ કે દરેક સજીવ વસ્તુથી તે છુપાયેલું છે. આકાશનાં પક્ષીઓથી પણ તે ગુપ્ત રખાયેલું છે.

22વિનાશ તથા મૃત્યુ કહે છે, 'અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.'

23ઈશ્વર જ તેનો માર્ગ જાણે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.

24કેમ કે ધરતીના છેડા સુધી તેમની નજર પહોંચે છે, આકાશની નીચે તે બધું જોઈ શકે છે.

25ઈશ્વર પવનનું વજન કરે છે, હા, તે પાણીને માપથી માપી નાખે છે.

26જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો, અને મેઘની ગર્જના સાથે વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,

27તે વખતે ઈશ્વરે તેને જોયું અને તેનું વર્ણન કર્યું; તેમણે તેને સ્થાપન કર્યું અને તેને શોધી પણ કાઢ્યું.

28ઈશ્વરે માણસને કહ્યું, જુઓ, પ્રભુનો ડર તે જ જ્ઞાન છે; દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.'''

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>