અયૂબ 38:1-41 GUBCS1970 - Bible AI

1પછી યહોવાહે વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,

2"અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે?

3બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે.

4જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો આ મને જણાવ.

5પૃથ્વીને ઘડવા માટે તેની લંબાઈ કોણે નક્કી કરી? જો તું જાણતો હોય તો કહે. અને તેને માપપટ્ટીથી કોણે માપી હતી?

6શાના પર તેના પાયા સજ્જડ કરવામાં આવ્યા છે? તે જગ્યામાં મુખ્ય પથ્થર કોણે મૂક્યો છે?

7કે જ્યારે પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું, અને સર્વ દૂતોએ આનંદથી પોકાર કર્યો?

7

8જાણે ગર્ભાસ્થાનમાંથી નીકળ્યો હોય તેવા સમુદ્રને રોકવા તેના દરવાજાઓ કોણે બંધ કર્યા?

9જ્યારે મેં વાદળાંઓને તેનું વસ્ત્ર બનાવ્યું, અને ગાઢ અંધકારથી તેને વીંટાળી દીધો.

10મેં તેની બાજુઓની હદ બનાવી, અને જ્યારે તેને દરવાજાઓની સીમાઓ મૂકી,

11મેં સમુદ્રને કહ્યું, 'તું અહીં સુધી આવી શકે છે પણ અહીંથી આગળ નહિ; અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારાં પ્રચંડ મોજા અહીં અટકી જશે.'

12શું તેં કદી પ્રભાત આદેશ આપ્યો છે? સવારે સૂર્યના કિરણોએ કઈ દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો?

13માટે તે પૃથ્વીની દિશાઓને પકડે છે, તેથી દુર્જનોને ત્યાંથી નાસી જવું પડે છે.

14જેમ બીબા પ્રમાણે માટીના આકારો બદલાય છે તેમ પૃથ્વીનો પ્રકાશ બદલાય છે; સર્વ વસ્તુઓ વસ્ત્રોની જેમ બહાર દેખાય છે અને બદલાય છે.

15દુર્જનો પાસેથી તેઓનો પ્રકાશ લઈ લેવામાં આવ્યો છે; અહંકારીઓના હાથ ભાંગી નાખવામાં આવે છે.

15

16તું કદી સમુદ્રના મૂળસ્થાનની સપાટીએ ગયો છે? તું ક્યારેય મહાસાગરના ઊંડાણમાં ચાલ્યો છે?

17શું મરણદ્વારો તારી સમક્ષ જાહેર થયાં છે? શું તેં કદી મરણછાયાનાં દ્વાર જોયાં છે?

18તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે? આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે.

19પ્રકાશનું ઉદ્દ્ગમસ્થાન ક્યાં છે? અંધકારનું સ્થાન ક્યાં છે?

20શું તું પ્રકાશ અને અંધકારને તેમના કાર્યને સ્થાને પાછા લઈ જઈ શકે છે? શું તું તેમના ઘર તરફનો માર્ગ શોધી શકે છે?

21આ બધું તો તું જાણે છે, કારણ કે ત્યારે તારો જન્મ થઈ ચૂક્યો હતો; અને તારા આયુષ્યના દિવસો લાંબા છે!

22શું તું બરફના ભંડારોમાં ગયો છે, અથવા તેના સંગ્રહસ્થાન શું તેં જોયાં છે,

23આ સર્વ બાબતો આફતના સમયને માટે, અને લડાઈ અને યુદ્ધના દિવસો માટે રાખી છે.

24જે માર્ગે અજવાળાની વહેંચણી થાય છે તેં જોયા છે તથા જ્યાં પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફેલાવે છે તે સ્થળે તું ગયો છે?

25વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે?

26જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો, એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસાદ વરસાવે છે,

27જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય, જેથી ત્યાં લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે.

28શું વરસાદનો કોઈ પિતા છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?

29કોના ગર્ભમાંથી હિમ આવે છે? આકાશમાં ઠરી ગયેલું સફેદ ઝાકળ કોણે ઉત્પન્ન કર્યું છે?

30પાણી ઠરીને પથ્થરના જેવું થઈ જાય છે; અને મહાસગારની ઊંડી સપાટી પણ થીજી જાય છે.

31આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષનાં બંધ નક્ષત્રોને છોડી શકે છે?

32શું તું તારાઓના સમૂહને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે?

33શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું આકાશોને પૃથ્વી પર સત્તા ચલાવવા સ્થાપી શકે છે?

34શું તું તારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકે છે, કે જેથી પુષ્કળ વરસાદ આવે?

35શું તું વીજળીને આજ્ઞા કરી શકે છે કે, તે તારી પાસે આવીને કહે કે, 'અમે અહીં છીએ?'

36વાદળાંઓમાં ડહાપણ કોણે મૂક્યું છે? અથવા ધુમ્મસને કોણે સમજણ આપી છે?

37કોણ પોતાની કુશળતાથી વાદળોની ગણતરી કરી શકે? કે, આકાશોની પાણી ભરેલી મશકોને કોણ રેડી શકે

38જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને માટી પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે?

39શું તું સિંહણને માટે શિકાર પકડી શકે, અથવા તો શું તમે સિંહણના બચ્ચાની ભૂખને સંતોષી શકે છે?

40જ્યારે તેઓ તેમની ગુફામાં લપાઈને બેઠા હોય ત્યારે અથવા ઝાડીમાં સંતાઈને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?

41જ્યારે કાગડા અને તેમનાં બચ્ચાં ખોરાકને માટે ભટકે છે અને ઈશ્વરને પોકાર કરે છે ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>