અયૂબ 40:1-24 GUBCS1970 - Bible AI

1યહોવાહે અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે,

2"જે કોઈ દલીલ કરવાની ઇચ્છા રાખે તે શું સર્વશક્તિમાનને સુધારી શકે? જે ઈશ્વર સાથે દલીલ કરે છે તે જવાબ આપે."

3ત્યારે અયૂબે યહોવાહને જવાબ આપતાં કહ્યું કે,

4"હું અર્થહીન છું; હું તમને કેવી રીતે જવાબ આપી શકું? હું મારો હાથ મારા મોં પર રાખું છું.

5હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ; હા, હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કંઈ બોલીશ નહિ."

6પછી યહોવાહે વંટોળિયા મારફતે અયૂબને જવાબ આપ્યો કે,

7"હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.

8શું તું માને છે કે હું અન્યાયી છું? તું ન્યાયી સાબિત થાય માટે શું તું મને દોષિત સાબિત કરીશ?

9તને ઈશ્વરના જેવા હાથ છે? શું તું ગર્જના કરી શકે છે?

10તો હવે તું ગર્વ અને મહિમા ધારણ કર; તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રોની જેમ પરિધાન કર.

11તારા કોપનો ઊભરો ગર્વિષ્ઠો પર રેડી દે; તેના પર દ્રષ્ટિ કરીને તેને નીચો પાડ.

12જે કોઈ અહંકારી હોય તેને નમ્ર બનાવ; દુષ્ટો જ્યાં ઉપસ્થિત હોય તે સ્થાનને કચડી નાખ.

13તે સર્વ લોકોને એકસાથે ધૂળમાં દાટી દે; તેઓના મુખને કબરોમાં ઢાંકી દે.

14પછી હું પણ તને માન્ય કરીશ કે, તું તારા પોતાના જમણા હાથથી પોતાને બચાવી શકે છે.

15ગેંડાની સામે જો. મેં તેને અને તને ઉત્પન્ન કર્યા છે, તે બળદની જેમ ઘાસ ખાય છે.

16હવે જો, તેનું બળ તેની કમરમાં છે; તેના પેટમાંના સ્નાયુઓમાં સામર્થ્ય છે.

17એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ હાલે છે; એની પગની જાંઘના સ્નાયુઓ કેવા મજબૂત છે.

18તેનાં હાડકાં કાંસાની નળી જેવાં છે; તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે.

18

19પ્રાણીઓના સર્જનમાં ગેંડો શ્રેષ્ઠ છે. માત્ર ઈશ્વર જ કે જેમણે તેનું સર્જન કર્યું છે તે જ તેને હરાવી શકે છે.

20જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે; ત્યાં પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે.

21તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરુઓની વચ્ચે ભીનાશવાળી જગ્યાઓમાં સંતાય છે.

22કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે.

23જો નદીમાં પૂર આવે, તોપણ તે ધ્રૂજતો નથી; જો યર્દનમાં પૂર ચઢીને તેના મુખ સુધી પાણી આવે તો પણ તે ગભરાતો નથી.

24શું કોઈ તેને આંકડીમાં ભરાવીને પકડી શકે, અથવા ફાંદા દ્વારા તેનું નાક વીંધી શકે છે?

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>