ગણના 6:1-27 GUBCS1970 - Bible AI

1યહોવાહે મૂસાને કહ્યું કે,

2"ઇઝરાયલના લોકોને એમ કહે કે, જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની સેવામાં અલગ થવાની ખાસ પ્રતિજ્ઞા લે એટલે નાજીરીવ્રત લે

3ત્યારે તેણે દ્રાક્ષારસનો અને દારૂનો ત્યાગ કરવો તદુપરાંત તેણે દ્રાક્ષારસનો અથવા દારૂનો સરકો પીવો નહિ તેમ જ દ્રાક્ષાનું શરબત પણ પીવું નહિ અને લીલી કે સૂકી દ્રાક્ષ ખાવી નહિ.

4જ્યાં સુધી તેનું વ્રત ચાલુ હોય ત્યાં સુધી તેણે દ્રાક્ષવેલામાંથી નીપજેલી કોઈ પણ વસ્તુ દ્રાક્ષનાં બી કે છોતરાં પણ ખાવા નહિ.

5વળી એ સમય દરમ્યાન તેના માથા પર અસ્ત્રો ન ફરે. અને જ્યાં સુધી વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી તેણે યહોવાહની સેવામાં વૈરાગ લીધો હોય તે પૂરો થયા સુધી તે શુદ્ધ રહે, તેણે પોતાના માથાનાં વાળ વધારવા.

6યહોવાહની સેવામાં તે નાઝીરી થાય ત્યાં સુધી તે સર્વ દિવસો સુધી તેણે મૃતદેહ પાસે જવું નહિ.

7પોતાનાં માતાપિતા કે ભાઈ બહેનના મરણ પર તેણે પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ, કારણ તેના ઈશ્વરનું વૈરાગીવ્રત તેને શિર છે.

8તેના વૈરાગીવ્રતના બધા સમય દરમ્યાન તે યહોવાહને માટે શુદ્ધ છે.

9પરંતુ જો કોઈ વ્યક્તિનું અચાનક તેની પડખે જ અવસાન થાય અને તેથી તે વૈરાગીનું માથું અશુદ્ધ બને, તો તે પોતાના શુદ્ધિકરણના દિવસે એટલે સાતમે દિવસે તેણે પોતાના અશુદ્ધ થયેલા માથાના વાળ કપાવવા.

10અને આઠમા દિવસે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક પાસે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવવાં.

11અને યાજક એમાંનું એક પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ચઢાવે અને મરેલાનાં કારણે પોતાનાં પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે જ દિવસે તે વ્યક્તિ પોતાના માથાનું શુધ્ધીકરણ કરે.

12અને તે યહોવાહની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો સમર્પણ કરે. અને દોષાર્થાર્પણરૂપે તેણે એક વર્ષનું નર હલવાન લાવવું. અને આગલા દિવસો ગણવા નહિ, કેમ કે તેનું વૈરાગીવ્રત ભંગ થયું હતું.

13અને જ્યારે નાજીરીના અલગતાના દિવસો પૂર્ણ થાય ત્યારે તેને માટે આ નિયમ છે. તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જવો.

14તેણે યહોવાહને પોતાનું અર્પણ ચઢાવવું, એટલે ખોડ વિનાના એક વર્ષના નર ઘેટાંનું દહનીયાર્પણ, ખોડ વિનાની એક વર્ષની ઘેટીનું પાપાર્થાર્પણ અને ખોડ વિનાના નર ઘેટાંનું શાંત્યાર્પણ કરવું,

15તથા બેખમીર રોટલીની એક ટોપલી, તેલ લગાડેલા બેખમીરી ખાખરા અને તેઓનું ખાદ્યાર્પણ તથા પેયાર્પણ તે લાવે.

16યાજક આ બધું યહોવાહની આગળ રજૂ કરે. અને તેનું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવે.

17પછી તે યહોવાહ સમક્ષ શાંત્યાર્પણોના યજ્ઞ તરીકે બેખમીર રોટલીની ટોપલી સહિત, ઘેટાંને તે ચઢાવે. અને યાજક તેનું ખાદ્યાર્પણ અને તેનું પેયાર્પણ ચઢાવે.

18અને નાજીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ વાળ કપાવી નાખવા અને પોતાના વૈરાગી માથાનાં વાળ લઈને શાંત્યાર્પણની નીચેના અગ્નિમાં મૂકી દેવા.

19પછી યાજક તે ઘેટાંનો બાફેલો છાતીનો ભાગ બાફેલું બાવડું તથા ટોપલીમાંથી એક બેખમીર રોટલી અને એક બેખમીર ખાખરો લે અને નાજીરી પોતાનું માથું મૂંડાવે ત્યારબાદ તે ચીજો તેના હાથમાં મૂકે.

20ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાજીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે.

21વ્રત રાખનાર નાજીરીનો અને વૈરાગીવ્રતને લીધે યહોવાહ પ્રત્યે જે અર્પણ ચઢાવવું તેનો તથા તે સિવાય બીજું કંઈ તેને મળી શકે તેનો નિયમ આ છે. જે પ્રતિજ્ઞા તેણે લીધી હોય ત્યારે તે મુજબ તે તેના વૈરાગવ્રતના નિયમને અનુસરીને વર્તે.

22પછી યહોવાહે મૂસાને કહ્યું કે,

23હારુન અને તેના દીકરાઓને એમ કહે કે, 'તમે આ મુજબ ઇઝરાયલી લોકોને આશીર્વાદ આપો તમે તેઓને એમ કહો કે,

24યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

25યહોવાહ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો અને તારા પર કૃપા કરો.

26યહોવાહ પોતાનું મુખ તારા પર ઉઠાવો અને તને શાંતિ આપો."'

27એમ તેઓ ઇઝરાયલી લોકોને મારું નામ આપે. અને હું તેઓને આશીર્વાદ આપીશ."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
v>