ચર્મિયા 4:1-31 GUBCS1970 - Bible AI

1યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી પાસે પાછો આવ. તારી ઘૃણાસ્પદ વસ્તુઓ મારી નજર આગળથી દૂર કર અને ફરી મારાથી દૂર જઈશ નહિ.

2અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, 'યહોવાહ જીવે છે, એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ તેમનામાં પોતાને આશીર્વાદિત કહેશે અને તેમની સ્તુતિ કરશે.'

3કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.'

4હે યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓ યહોવાહને માટે તમે પોતાની સુન્નત કરો. અને પોતાના હૃદયની સુન્નત કરો, નહિ તો તમારા કામની ભૂંડાઈને લીધે મારો કોપ અગ્નિની જેમ પ્રગટે. અને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.

5આ પ્રમાણે યરુશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં રણશિંગડું વગાડો. અને પોકારીને કહો કે, "આપણે એકઠા થઈએ" અને ચાલો કિલ્લેબંધ નગરોમાં જઈએ'

6સિયોન તરફ ધ્વજ ઊંચો કરો, જીવ લઈને ભાગી જાઓ અને વિલંબ કરશો નહિ. કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા ભયંકર વિનાશ લાવીશ.

7સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે. તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર આવ્યો છે. તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.

8માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, વિલાપ અને રુદન કરો, કેમ કે યહોવાહનો ઉગ્ર કોપ હજુ આપણા પરથી ઊતર્યો નથી.

9યહોવાહ કહે છે. તે દિવસે રાજાઓ અને સરદારો ભયને લીધે કાંપશે, યાજકો વિસ્મિત થશે. અને પ્રબોધકો અચંબો પામશે."'

10તેથી હું બોલ્યો, આહા, પ્રભુ યહોવાહ, 'તમને શાંતિ થશે.' એમ કહીને તમે આ લોકને તથા યરુશાલેમને સંપૂર્ણ છેતર્યા છે. અહીં તો તરવાર જીવ સુધી આવી પહોંચી છે."

11તે સમયે આ લોકને તથા યરુશાલેમને કહેવામાં આવશે કે, 'અરણ્યમાં ખાલી ટેકરીઓ પરથી લૂ મારા લોકની દીકરીઓ તરફ આવશે. તે તો ઊપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ.

12મારી આજ્ઞાથી તે તરફ ખૂબ શક્તિશાળી પવન આવશે. હમણાં હું તેઓને ન્યાયશાસન જણાવીશ.

13જુઓ, તે વાદળાંની જેમ અમારા પર ચઢી આવશે. તેના રથો વંટોળીયા જેવા થશે. તેના ઘોડા ગરુડ કરતાં પણ વેગીલા છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાઈ ગયા છીએ.

14હે યરુશાલેમ દુષ્ટતા દૂર કરીને તારું અંત:કરણ શુદ્ધ કર. એટલે તારો ઉધ્ધાર થશે. તારામાં વ્યર્થ વિચારો ક્યાં સુધી રહેશે?

15કેમ કે દાનથી વાણી સંભળાય છે. અને એફ્રાઇમના પર્વતો પરથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે.

16દેશના લોકોને જાણ કરો. જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે દૂર દેશથી ઘેરો ઘાલનારા આવે છે. તેઓ યહૂદિયાનાં નગરો સામે યુદ્ધનાદો કરે છે.

17ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે કેમ કે તેઓએ મારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. એમ યહોવાહ કહે છે.

18તારા પોતાના વર્તન અને કાર્યોને કારણે આ બધું તારા પર વીત્યું છે. આ તારી દુષ્ટતા છે. અને ખરેખર તે કડવી છે, તે તારા હૃદયને વીંધી નાખે છે.

19અરે મારું હૈયું! મારું હૈયું! મારા અંતરમાં જ દુઃખ થાય છે. મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ કે મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.

20સંકટ પર સંકટ આવે છે, દેશ આખો ખેદાન મેદાન થઈ ગયો છે. તેઓએ મારા તંબુ અને મારા પવિત્રસ્થાનને વેરાન કર્યું છે.

21હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો સાદ સાંભળીશ?

22મારા લોકો મૂર્ખ છે. તેઓ મને ઓળખતા નથી, તેઓ મૂર્ખ છોકરાં છે. તેઓને કશી સમજ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે. પરંતુ ભલું કરી જાણતાં નથી.

23મેં પૃથ્વીને જોઈ તે ખાલી હતી! અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.

24મેં પર્વતો તરફ જોયું, તો જુઓ, તેઓ ધ્રૂજતા હતા. બધા ડુંગરો થરથરતા હતા.

25મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં.

26મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી અને યહોવાહની સમક્ષ તેના ભારે કોપને લીધે, બધાં નગરો પાયમાલ થયાં હતાં.

27કેમ કે યહોવાહ કહે છે કે, આખો દેશ ઉજ્જડ થઈ જશે પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.

28આ કારણથી પૃથ્વી શોક કરશે. અને ઉપરનાં આકાશ અંધકારમય બની જશે. કેમ કે હું તે બોલ્યો છું; હું તે વિષે પશ્ચાતાપ કરીશ નહિ; અને તેમાંથી ડગનાર નથી.

29ઘોડેસવાર અને ધનુર્ધારીઓના અવાજ સાંભળી નગરમાંના સર્વ લોકો નાસે છે, તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે; તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ લોક નગરોને તજે છે. તેઓમાં કોઈ વસનાર નથી.

30હેં લૂંટાયેલી તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્રો પહેરે અને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, અને કાજળ લગાવીને તારી આંખોને આંજે તોપણ તું પોતાને ફોગટ શોભિત કરે છે. તારા પ્રેમીઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઇચ્છે છે.

31સિયોનની દીકરીનો સાદ મેં સાંભળ્યો છે. એ તો પ્રસૂતાની વેદના જેવો તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીનાં જેવો સાદ છે. તેઓ હાંફે છે તેઓ પોતાના હાથ પ્રસારે છે અને કહે છે કે, 'મને અફસોસ!' કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ ચિંતાતુર થઈ ગયો છે.'''

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>