ચર્મિયા 9:1-26 GUBCS1970 - Bible AI

1મારા લોકની દીકરીના કતલ થયેલાઓને માટે રાતદિવસ વિલાપ કરવા માટે, મારું માથું પાણી હોત તથા મારી આંખો આંસુનો ઝરો હોત તો કેવું સારું!

2મારા લોકને છોડીને તેઓથી દૂર ચાલ્યા જવા માટે મારાં માટે ઉતારો અરણ્યમાં હોત તો કેવું સારું! એ બધા વ્યભિચારી તથા વિશ્વાસઘાતી લોકો છે.

3તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યનાં બાણો ફેંકે છે. તેઓ પરાક્રમી થયા છે ખરા, પણ સત્યને માટે તેઓ પરાક્રમી નથી તેઓ દુષ્કર્મ કર્યા પછી વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે. તેઓ મને ઓળખતા નથી. એમ યહોવાહ કહે છે.

4પ્રત્યેક જણ પોતાના પડોશીથી સાવધ રહો, કોઈએ પોતાના ભાઈ પર વિશ્વાસ ન કરવો, કેમ કે દરેક ભાઈ છેતરનાર છે. અને દરેક પડોશી નિંદા કર્યા કરશે.

5દરેક સત્ય ન બોલીને પોતાના પડોશીને ઠગે છે. તેમની જીભ જૂઠું બોલવા ટેવાઈ ગઈ છે. તેઓ દુષ્ટતા કરી કરીને થાકી ગયા છે.

6તું અન્યાયની અંદર વસે છે; કપટને લીધે તેઓ મને ઓળખવાની ના પાડે છે. એમ યહોવાહ કહે છે.

7તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ એમ કહે છે કે, જુઓ, હું તેઓને પીગાળી નાખીશ. હું તેઓની તપાસ કરીશ. કેમ કે મારા લોકની દીકરીને માટે હું બીજું શું કરું?

8તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. તેઓ મુખથી પોતાના પડોશી સાથે શાંતિથી બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.

9યહોવાહ કહે છે, આ બધા માટે મારે તેઓને શી સજા ન કરવી જોઈએ? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?

10હું પર્વતોને માટે શોક અને રુદન કરીશ. અને જંગલમાં બીડોને માટે વિલાપ કરીશ. કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયા છે કે કોઈ તેમાં થઈને જતું નથી. જાનવરોનો અવાજ સંભળાતો નથી. અને આકાશનાં પક્ષીઓ તથા પશુઓ પણ ત્યાંથી નાસી ગયાં છે.

11તેથી હું યરુશાલેમને ખંડેરોનો ઢગલો, શિયાળોનું કોતર કરીશ. અને હું યહૂદિયાના નગરોને ઉજ્જડ કરીશ. તેઓ નિર્જન થઈ જશે.

12કોણ એવો બુદ્ધિમાન માણસ છે કે જે આ સમજી શકે? જેને યહોવાહે પોતાના મુખે પ્રગટ કરવાનું કહ્યું તે કોણ છે? વળી આ ભૂમિ શા માટે નષ્ટ થઈ ગઈ છે? તે રાનની પેઠે એવી બળી ગઈ છે કે તેમાં થઈને કોઈ જતું નથી.

13યહોવાહ કહે છે, 'વળી મેં મારું નિયમશાસ્ત્ર તેઓની આગળ મૂક્યું છે, તેઓએ તેનો ત્યાગ કર્યો છે. તેઓએ મારું કહ્યું સાંભળ્યું નથી અને તેનું પાલન કર્યું નથી.

14પણ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ અને પોતાના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે તેઓ બઆલોની પાછળ ચાલ્યા છે.

15આથી સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર એમ કહે છે કે, હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ અને પીવા માટે ઝેર આપવાનો છું.

16વળી તેઓથી અને તેઓના પિતૃઓથી અજાણી પ્રજામાં હું તેમને વિખેરી નાખીશ. અને હું તેઓનો વિનાશ થાય ત્યાં સુધી તેઓની પાછળ તરવાર મોકલીશ.

17સૈન્યોના યહોવાહ કહે છે; આ વિષે વિચાર કરો; દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો; તેઓને આવવા દો.

18તેઓ વહેલી આવે અને આપણે માટે વિલાપ કરે, જેથી આપણી આંખોમાંથી ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.

19કેમ કે સિયોનમાંથી વિલાપનો સાદ સંભળાય છે; "અમે કેવા વિનાશ પામ્યા છીએ. અમે અત્યંત શરમિંદા થયા છીએ, અમે દેશ છોડી દીધો છે, કેમ કે તેઓએ અમારાં ઘરોને તોડી પાડ્યાં છે."

20પરંતુ હે સ્ત્રીઓ, યહોવાહનું વચન સાંભળો; તેમના મુખના વચનને ધ્યાનથી સાંભળો. તમારી દીકરીઓને રુદન કરતાં શીખવો. અને તમારી પડોશણોને વિલાપ કરતાં શીખવો.

21મરણ આપણી બારીઓમાંથી આવ્યું છે; તે આપણા મહેલોમાં પેઠું છે. કેમ કે આપણાં બાળકોનો નાશ થયો છે અને તરુણો જાહેર ચોકમાં રહ્યા નથી.

22આ પ્રગટ કર- યહોવાહ આ પ્રમાણે કહે છે; જેમ ખેતરમાં ખાતર તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે, તેમ મનુષ્યના મૃતદેહો પડશે. અને તેઓને એકઠા કરનાર કોઈ હશે નહિ.

23યહોવાહ કહે છે, જ્ઞાનીએ પોતાના ડહાપણ વિષે અભિમાન કરવું નહિ. તેમ જ બળવાને પોતાના બળ વિષે અભિમાન કરવું નહિ. વળી ધનવાને પોતાના ધન વિષે અભિમાન કરવું જોઈએ નહિ.

24પણ જે કોઈ અભિમાન કરે તે આ બાબતમાં અભિમાન કરે કે, તેઓ સમજીને મને ઓળખે છે કે, હું પૃથ્વી પર દયા, ન્યાય અને નીતિ કરનાર યહોવાહ છું કેમ કે, આ જ મને પસંદ છે. એમ યહોવાહ કહે છે.

25યહોવાહ કહે છે કે, એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.

26જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબીઓ જેઓની દાઢી બાજુએથી મૂંડેલી છે તેમ જ જેઓ રણમાં વસે છે તેઓને હું જોઈ લઈશ. કેમ કે, સર્વ વિદેશીઓ બેસુન્નતીઓ છે. અને સર્વ ઇઝરાયલીઓના હૃદયમાં બેસુન્નત છે."'

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>