ઝખાર્યા 9:1-17 GUBCS1970 - Bible AI

1યહોવાહના વચનરુપી ઈશ્વરવાણી હાદ્રાખ દેશ પર તથા દમસ્કસ જે તેનું વિશ્રામસ્થાન છે તેના પર છે: કેમ કે યહોવાહની નજર માનવજાત પર ઇઝરાયલનાં કુળો પર છે.

2દમસ્કસની સરહદ પર આવેલું હમાથ પણ છે. તૂર તથા સિદોન બહુ ચતુર છે છતાં: તેના પર પણ નજર છે.

3તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે.

4જુઓ, પણ પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે અને તેના બળને સમુદ્રમાં નાખી દેશે, તે અગ્નિથી ભસ્મ થઈ જશે.

5આશ્કલોન જોઈને બી જશે. ગાઝા પણ ભયથી ધ્રૂજી જશે. એક્રોનની આશાઓ નિષ્ફળ થશે. ગાઝામાંથી રાજા નાશ પામશે અને આશ્કલોનમાં વસ્તી થશે નહિ.

6આશ્દોદમાં વર્ણસંકર પ્રજા પોતાના ઘરો બનાવશે, હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ.

7કેમ કે હું તેનું લોહી તેના મુખમાંથી તથા તેની નફરત તેના દાંતો વચ્ચેથી દૂર કરીશ. તે પણ આપણા ઈશ્વરને માટે બાકી રહેલા યહૂદિયાના કુટુંબ જેવો અને એક્રોન યબૂસી જેવો થશે.

8હું દુશ્મનોની મારા સભાસ્થાનની ચારેબાજુ છાવણી નાખીશ કે જેથી કોઈ અંદર આવજા કરે નહિ, કેમ કે હવે પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને જવા પામશે નહિ. કેમ કે હવે મેં મારી પોતાની આંખે તેઓને જોયા છે.

9હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડા પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે.

10હું એફ્રાઇમમાંથી રથને તથા યરુશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, યુદ્ધમાંથી ધનુષ્યને કાપી નાખીશ; કેમ કે તે પ્રજાઓને શાંતિનો બોધ કરશે, તેમનું શાસન સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી પૃથ્વીના અંત સુધી થશે!

11તારી સાથે કરેલા કરારના રક્તને કારણે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મુક્ત કર્યાં છે.

12આશા રાખી રહેલા બંદીવાનો, કિલ્લામાં પાછા આવો. હું આજે જાહેર કરું છું કે હું તમને બમણો બદલો આપીશ,

13કેમ કે મેં મારા માટે યહૂદારૂપી ધનુષ્ય નમાવ્યું છે. મેં એફ્રાઇમરૂપી બાણ ધનુષ્ય પર મૂક્યું છે. હે સિયોન, હું તારા દીકરાઓને, હે ગ્રીસ, તારા દીકરાઓને તારી વિરુદ્ધ જાગૃત કરીશ, હું તને યોદ્ધાની તલવારરૂપ કરીશ.

14યહોવાહ તેઓને દેખાશે, તેનું તીર વીજળીની જેમ છૂટશે. કેમ કે યહોવાહ મારા પ્રભુ, રણશિંગડું વગાડશે અને દક્ષિણના વંટોળિયાની જેમ કૂચ કરશે.

15સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તેઓ તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.

16યહોવાહ તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળાં તરીકે ઉગારશે; તેઓ મુગટમાં જડેલાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.

17તે કેટલું સુંદર અને કેટલું સારું છે! જુવાનોને અનાજ તથા કુમારિકાઓને દ્રાક્ષારસ હૃષ્ટપુષ્ટ કરશે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>