થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3:1-18 GUBCS1970 - Bible AI

1છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;

2અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી.

3પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.

4તમારા વિષે પ્રભુમાં અમને ભરોસો છે કે, જે આજ્ઞા અમે તમને કરીએ છીએ તે તમે પાળો છો તથા પાળશો.

5પ્રભુ તમારાં હૃદયોને ઈશ્વરના પ્રેમ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો.

6હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે હરેક ભાઈ આળસથી વર્તે છે, અને અમારાથી પામેલા શિક્ષણ પ્રમાણે વર્તતો નથી, તેનાથી તમે અલગ થાઓ.

7કેમ કે અમને કઈ રીતે અનુસરવા જોઈએ એ તમે પોતે સમજો છો. અમે તમારી સાથે અયોગ્ય રીતે વર્ત્યા ન હતા.

8કોઈ માણસનું અન્ન અમે મફત ખાધું નહોતું; પણ તમારામાંના કોઈ પર ભારરૂપ ન થઈએ, માટે રાતદિવસ શ્રમ તથા કષ્ટથી અમે કામ કર્યુ હતું;

9અમને અધિકાર ન હતો એમ નહિ, પણ તમે અમને અનુસરો માટે અમે તમને આદર્શરૂપ થયા.

10જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.

11કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથુ મારે છે, એવું અમને સાંભળવા મળે છે.

12હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.

13પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.

14જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.

15તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.

16હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.

17હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.

18આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.

footer>