નહેમ્યા 2:1-20 GUBCS1970 - Bible AI

1આર્તાહશાસ્તા રાજાની કારકિર્દીના વીસમા વર્ષે નીસાન માસમાં તેણે દ્રાક્ષારસ પસંદ કર્યો. મેં તે દ્રાક્ષારસ લઈને તેને આપ્યો. હું ઉદાસ હતો. આ પહેલાં તેની હજૂરમાં હું કદી ઉદાસ થયો નહોતો.

2તેથી રાજાએ મને પૂછ્યું, "તું કેમ આવો ઉદાસ દેખાય છે? તું બીમાર તો લાગતો નથી. જરૂર તારા મનમાં કોઈ ભારે ખેદ હોવો જોઈએ." આ સાંભળી હું બહુ ગભરાઈ ગયો.

3મેં રાજાને જવાબ આપ્યો, "રાજા, ચિરંજીવ રહો; કારણ કે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યા છે તે ખંડિયર થઈ ગયું છે અને તેના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે હું ઉદાસ થયેલો છું."

4પછી રાજાએ મને પૂછ્યું, "તું મારી પાસેથી શું ઇચ્છે છે?" ત્યારે મેં આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી.

5પછી મેં રાજાને કહ્યું, "આપને ઠીક લાગે તો મને યહૂદિયા જવાની રજા આપો. કારણ કે જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા, તે શહેરનો હું ફરીથી જીર્ણોધ્ધાર કરી શકું."

6રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, "ત્યાં તારે કેટલો સમય લાગશે અને તું ક્યારે પાછો આવશે?" મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! તેથી મને જવા માટે રજા મળી ગઈ!

7પછી મેં રાજાને કહ્યું, "જો આપની ઇચ્છા હોય તો નદી પારના સૂબાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે, હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને ત્યાં જતો અટકાવે નહિ.

8વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર અપાવજો કે ભક્તિસ્થાનના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે નગરના કોટને તથા જે ઘરમાં હું રહું તેને માટે મને લાકડાં આપે."

8મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.

9હું નદી પારના આગેવાનો પાસે આવ્યો અને મેં તેઓને રાજાના પત્રો આપ્યા. હવે રાજાએ તો મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા.

10જ્યારે હોરોની સાન્બાલ્લાટે તથા આમ્મોની ચાકર ટોબિયાએ આ વિષે સાંભળ્યું કે, ઇઝરાયલી લોકોને મદદ કરવાને એક માણસ ત્યાં આવ્યો છે ત્યારે તેઓને ઘણું ખોટું લાગ્યું.

11તેથી હું યરુશાલેમ આવ્યો અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.

12મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડા માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જાનવર પર હું સવારી કરતો હતો તે સિવાય બીજું કોઈ જાનવર મારી સાથે ન હતું.

13હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગર કૂંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો અને તેના દરવાજા અગ્નિથી ભસ્મ થઈ ગયેલા હતા.

14પછી ત્યાંથી આગળ ચાલીને હું કચરાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. હું જે જાનવર પર સવારી કરતો હતો તેને પસાર થવા માટે પૂરતી જગ્યા ન હતી.

15તેથી હું રાત્રે નાળા તરફ ગયો અને કોટનું અવલોકન કર્યું. ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાં થઈને હું પાછો વળ્યો.

16હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યું હતું, તે અધિકારીઓના જાણવામાં આવ્યું નહિ. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને આ અંગે કશું પણ કહ્યું ન હતું.

17મેં તેઓને કહ્યું, "આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજ્જડ થયેલું છે. તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદા કે ટીકારૂપ ન થઈએ."

18મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિષે તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, "ઊઠો અને આપણે બાંધીએ." તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.

19પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી ઉડાવી અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, "તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઇચ્છો છો?"

20પછી મેં તેઓને જવાબ આપ્યો, "આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. અમે તેમના સેવકો છીએ અને અમે બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો, હક કે સ્મારક યરુશાલેમમાં નથી, એ સમજી લેજો."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>