નીતિવચનો 5:1-23 GUBCS1970 - Bible AI

1મારા દીકરા, મારા ડહાપણ તરફ લક્ષ આપ; મારી બુદ્ધિ તરફ તારા કાન ધર

2જેથી તારી વિવેકબુદ્ધિ જળવાઈ રહે, અને તારા હોઠ વિદ્યા સંઘરી રાખે.

3કારણ કે વ્યભિચારી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેનું મુખ તેલ કરતાં સુંવાળુ છે.

4પણ તેનો અંત વિષ જેવો કડવો, બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે.

5તેના પગ મૃત્યુ સુધી નીચે પહોંચે છે; તેના પગલાં શેઓલમાં પહોંચે છે.

6તેથી તેને સાચો જીવન માર્ગ મળતો નથી. તે પોતાના માર્ગેથી ભટકી જાય છે; અને તેને ખબર નથી કે તે ક્યાં જાય છે.

6

7હવે મારા દીકરાઓ, મારી વાત સાંભળો; અને મારા મુખના શબ્દોથી દૂર જશો નહિ.

8તમારા માર્ગો તેનાથી દૂર રાખો અને તેના ઘરના બારણા પાસે પણ જશો નહિ.

9રખેને તું તારી આબરુ બીજાઓને અને તારા જીવનનાં વર્ષો ઘાતકી માણસોને સ્વાધીન કરે;

10રખેને તારા બળથી પારકા તૃપ્ત થાય, અને તારી મહેનતનું ફળ પારકાના કુટુંબને મળે.

11રખેને તારું માંસ અને તારું શરીર ક્ષીણ થાય અને તું અંત સમયે વિલાપ કરે.

12તું કહીશ કે, "મેં કેવી રીતે શિખામણનો ધિક્કાર કર્યો છે અને મારા હૃદયે ઠપકાને તુચ્છ ગણ્યો છે!

13હું મારા શિક્ષકોને આધીન થયો નહિ અને મેં મને શિક્ષણ આપનારાઓને સાંભળ્યા નહિ.

14મંડળ અને સંમેલનોમાં હું સંપૂર્ણપણે પાપમય થઈ ગયો હતો."

15તારે તારા પોતાના જ ટાંકામાંથી પાણી પીવું, અને તું તારા પોતાના જ કૂવાના ઝરણામાંથી પાણી પીજે.

16શું તારા ઝરાઓનું પાણી શેરીઓમાં વહી જવા દેવું, અને ઝરણાઓનું પાણી જાહેરમાં વહી જવા દેવું?

17એ પાણી ફક્ત તારા એકલા માટે જ હોય અને તારી સાથેના પારકાઓ માટે નહિ.

18તારું ઝરણું આશીર્વાદ પામો, અને તું તારી પોતાની યુવાન પત્ની સાથે આનંદ માન.

19જે પ્રેમાળ હરણી જેવી સુંદર અને મનોહર મૃગલી જેવી જાજરમાન નારી છે. તેનાં સ્તનોથી તું સદા સંતોષી રહેજે; હંમેશા તું તેના પ્રેમમાં જ ગરકાવ રહેજે.

20મારા દીકરા, તારે શા માટે પરસ્ત્રી પર મોહિત થવું જોઈએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઈએ?

21માણસના વર્તન-વ્યવહાર ઉપર યહોવાહની નજર હોય છે અને માણસ જે કંઈ કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે.

22દુષ્ટ પોતાની જ દુષ્ટતામાં સપડાય છે; અને તેઓનાં પાપો તેઓને દોરડાની જેમ જકડી રાખે છે.

23કારણ કે, તેની અતિશય મૂર્ખાઈને લીધે તે રઝળી જશે; અને શિક્ષણ વિના તે માર્યો જશે.