પ્રકટીકરણ 17:1-18 GUBCS1970 - Bible AI

1જે સાત સ્વર્ગદૂતોની પાસે તે સાત પ્યાલા હતા, તેઓમાંનો એક આવ્યો અને તેણે મારી સાથે બોલતાં કહ્યું કે, 'અહીં આવ, અને જે મોટી વારાંગના ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવું.

2તેની સાથે દુનિયાના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષરસથી પૃથ્વીના રહેનારા ચકચૂર થયા છે.'

3પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો; અને એક કિરમજી રંગના હિંસક પશુ પર એક સ્ત્રી બેઠેલી મેં જોઈ; તે પશુ ઈશ્વરનું અપમાન કરનારાં નામોથી ભરેલું હતું, અને તેને સાત માથાં ને દસ શિંગડાં હતાં.

4તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્ર પહેરેલાં હતાં અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નો તથા મોતીથી શણગારેલી હતી, અને તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યોથી તથા અશુદ્ધતાથી ભરેલો સોનાનો પ્યાલો તેના હાથમાં હતો.

5તેના કપાળ પર એક મર્મજનક નામ લખેલું હતું, એટલે, 'મહાન બાબિલોન, ગણિકાઓની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર બાબતોની માતા.'

6મેં તેં સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. તેને જોઈને મને ઘણું આશ્ચર્ય થયું.

7સ્વર્ગદૂતે મને પૂછ્યું કે, 'તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દસ શિંગડાવાળું હિંસક પશુ કે, જેનાં પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને સમજાવીશ.'

8જે હિંસક પશુ તેં જોયું, તે હતું અને નથી; અને તે અનંતઊંડાણમાં નીકળવાનું તથા નાશમાં જવાનું છે અને પૃથ્વી પરના રહેનારાંઓ કે જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે હિંસક પશુ હતું અને નથી અને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.

9આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે;

10અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તેને રહેશે.

11જે હિંસક પશુ હતું અને નથી, તે જ વળી આઠમો રાજા છે, અને તે સાતમાંનો એક છે; તે નાશમાં જાય છે.

12જે દસ શિંગડાં તેં જોયાં છે તેઓ દસ રાજા છે, તેઓ હજી સુધી રાજ્ય પામ્યા નથી; પણ હિંસક પશુની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેઓને મળે છે.

13તેઓ એક મતના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર હિંસક પશુને સોંપી દે છે.

14તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે કેમ કે તેઓ મહાન પ્રભુ તથા રાજાઓના રાજા છે; અને તેમની સાથે જેઓ છે, એટલે તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે.

15તે મને કહે છે કે, જે પાણી તે જોયું છે, જ્યાં તે વારાંગના બેઠી છે, તેઓ લોકો, સમુદાય, રાષ્ટ્રો તથા ભાષાઓ છે.

16તેં જે દસ શિંગડાં તથા પશુ તે જોયાં તેઓ તે વારાંગનાનો દ્વેષ કરશે, તેને પાયમાલ કરીને તેને ઉઘાડી કરશે તેનું માંસ ખાશે અને આગથી તેને બાળી નાખશે.

17કેમ કે તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય હિંસક પશુને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે.

18જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર દુનિયાના રાજાઓ પર રાજ કરે છે તે છે.

e>