પ્રકટીકરણ 2:1-29 GUBCS1970 - Bible AI

1એફેસસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે; જે પોતાના જમણાં હાથમાં સાત તારા રાખે છે, જે સોનાની સાત દીવીની વચ્ચે ચાલે છે તે આ વાતો કહે છે

2તારાં કામ, તારી મહેનત તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું દુર્જનને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, અને તેઓ જૂઠા છે એમ તને ખબર પડી,

3વળી તું ધીરજ રાખે છે, તથા મારા નામની ખાતર તેં સહન કર્યું છે, અને તું થાકી ગયો નથી;

4તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.

5એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર તથા પ્રથમના જેવા કામ નહિ કરે તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગ્યાએથી હું હટાવી દઈશ.

6પણ તારામાં એટલું છે કે તું નીકોલાયતીઓ સ્વચ્છંદીઓના કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે.

7પવિત્ર આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનનાં વૃક્ષ પરનું ફળ હું ખાવાને આપીશ.

8સ્મર્નામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પ્રથમ તથા છેલ્લાં, જે મૃત્યુ પામ્યા પણ સજીવન થયા, તે આ વાતો કહે છે

9હું તારી વિપત્તિ તથા તારી ગરીબી જાણું છું તોપણ તું ધનવાન છે, જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ યહૂદી નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.

10તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીશ નહિ; જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; તમને દસ દિવસ સુધી વિપત્તિ પડશે. તું મરણ સુધી વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.

11આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે; જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહિ.

12પેર્ગામનમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે; જેની પાસે બેધારી તીક્ષ્ણ તરવાર છે તે આ વાતો કહે છે કે

13તું ક્યાં રહે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, જયારે મારા વિશ્વાસુ સાક્ષી અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે દિવસોમાં પણ તેં મારા પરના વિશ્વાસનો ઇનકાર કર્યો નહિ.

14તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના શિક્ષણને વળગી રહેનારા ત્યાં તારી પાસે છે; એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓની પ્રસાદી ખાય અને વ્યભિચાર કરે;

15એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે.

16તેથી પસ્તાવો કર; નહિ તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ.

17આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્તમાં રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને સફેદ પથ્થર આપીશ, તેના પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી.

18થુઆતૈરામાંનાં મંડળીના સ્વર્ગદૂતને લખ કે, ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને જેમનાં પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે

19તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે એ પણ હું જાણું છું.

20તોપણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે ઇઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્ત્રીને તું સહન કરે છે; તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓની પ્રસાદી ખાવાને શીખવે છે તથા ભમાવે છે.

21તે પસ્તાવો કરે, માટે મેં તેને તક આપી; પણ તે પોતાના બદકૃત્યનો પસ્તાવો કરવા ઇચ્છતી નથી.

22જુઓ, હું તેને પથારીવશ કરું છું. તેની સાથે મળીને જેઓ બેવફાઈ કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું.

23મરકીથી હું તેનાં છોકરાંનો સંહાર કરીશ; જેથી સર્વ વિશ્વાસી સમુદાય જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું; તમને દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.

24પણ તમે થુઆતૈરામાંનાં બાકીના જેટલાં તે શિક્ષણ માનતા નથી, જેઓ શેતાનના 'ઊંડા મર્મો' (જેમ તેઓ કહે છે તેમ) જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો બોજો નાખીશ નહિ;

25તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો.

26જે જીતે છે અને અંત સુધી મારાં કામ કર્યા કરે છે, તેને હું દેશો પર અધિકાર આપીશ;

27તે લોખંડના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, કુંભારના વાસણની પેઠે તેઓના ટુકડેટુકડાં થઈ જશે; મને પણ મારા પિતા પાસેથી એવો જ અધિકાર મળેલો છે;

28વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.

29આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

>