ફિલેમોનને પત્ર 1:1-25 GUBCS1970 - Bible AI

1સેવાકાર્યમાં અમારા સાથીદાર વહાલાં ફિલેમોન, બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ તથા તારા ઘરમાંની મંડળીને-વિશ્વાસી સમુદાયને

2ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી લખે છે

3ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.

4ભાઈ ફિલેમોન પ્રભુ ઈસુ પર તથા સર્વ સંતો પરના તારા પ્રેમ તથા વિશ્વાસ વિષે,

5સાંભળવાથી તારું સ્મરણ હું નિત્ય મારી પ્રાર્થનાઓમાં કરું છું અને મારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું.

6મારી પ્રાર્થના છે કે આપણામાં જે સર્વ સારું છે તેનું જ્ઞાન થયાથી, તારા વિશ્વાસની ભાગીદારી ખ્રિસ્ત ઈસુના મહિમાને સારુ સફળ થાય.

7કારણ કે તારા પ્રેમમાં મને ઘણો લાભ તથા દિલાસો મળ્યો છે; કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોના હૃદય ઉત્તેજિત થયાં છે.

8માટે જે યોગ્ય છે તે તને આજ્ઞા તરીકે કહેવાને મને ખ્રિસ્તમાં છૂટ છે ખરી,

9તોપણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન હોવાથી હું બીજી રીતે, એટલે પ્રેમથી, તને વિનંતી કરું છું.

10ઓનેસીમસ આ બંદીખાનામાં જે મારા દીકરા જેવો થયો છે તેને વિષે હું તને વિનંતી કરું છું.

11અગાઉ તે તને ઉપયોગી ન હતો, પણ હમણાં તે તને તથા મને પણ ઉપયોગી છે;

12તેને પોતાને, એટલે મારા પોતાના હૃદય જેવાને, મેં તારી પાસે પાછો મોકલ્યો છે.

13તેને હું મારી પાસે રાખવા ઇચ્છતો હતો, કે સુવાર્તાને લીધે હું બંદીવાસમાં છું તે દરમિયાન તે તારા બદલામાં મારી મદદ કરે.

14પણ તારી મરજી વિના કંઈ કરવાની મારી ઇચ્છા ન હતી, એ માટે કે તારો ઉપકાર દબાણથી નહિ, પણ રાજીખુશીથી થાય.

15કેમ કે તે સદા તારી પાસે રહે, તે માટે જ કદાચ થોડીવાર સુધી તારાથી દૂર થયો હશે,

16હવે પછી દાસના જેવો નહિ, પણ દાસથી અધિક, એટલે વહાલા ભાઈના જેવો છે, મને તો તે વિશેષ કરીને એવો છે, પણ તને તો દેહમાં તથા પ્રભુમાં કેટલો બધો વિશેષ છે!

17માટે જો તું મને ભાગીદાર ગણે, તો જેમ મારો તેમ તેનો સ્વીકાર કરજે.

18પણ જો તેણે તારો કંઈ અન્યાય કર્યો હોય કે તેની પાસે તારું કંઈ લેણું હોય તો તેની જવાબદારી હું લઉં છું.

19હું પાઉલ મારે પોતાને હાથે લખું છું કે, તે હું ભરપાઈ કરીશ; તોપણ હું તને નથી કહેતો કે તું પોતા વિષે મારો કરજદાર છે.

20હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હૃદય શાંત કર.

21તું મારું કહેલું માનીશ એવો ભરોસો રાખીને તારા પર આ પત્ર લખું છું, કેમ કે હું જાણું છું કે, જે હું કહું છું તે કરતાં પણ તું વધારે કરીશ.

22સારુ, મારે માટે રહેવાની વ્યવસ્થા તૈયાર રાખજે. કેમ કે મને આશા છે કે તમારી પ્રાર્થનાઓથી મારે તમારી પાસે આવવાનું થશે.

23એપાફ્રાસ, ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન,

24સેવાકાર્યમાં મારા સાથીદાર માર્ક, આરિસ્તાર્ખસ, દેમાસ તથા લૂકે સર્વ તને ક્ષેમકુશળ કહે છે.

25આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.

ticle>