માથ્થી 2:1-23 GUBCS1970 - Bible AI

1હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, માગીઓએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે,

2"યહૂદીઓના જે રાજા જનમ્યાં છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ."

3એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.

4ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રી લોકોને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, 'ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?'

5તેઓએ તેને કહ્યું કે, "યહૂદિયાના બેથલેહેમમાં; કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે,

6"ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે."

7ત્યારે હેરોદ રાજાએ તે માગીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી.

8તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, 'તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને તે પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તેમનું ભજન કરું.'

9તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળ ઈસુ હતા તે જગ્યા પર આવીને અટકી ગયો.

10તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા.

11ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું.

12હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

13તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, 'ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેમની શોધ કરવાનો છે.'

14ત્યારે યૂસફ રાત્રે ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો;

15અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, "મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો."

16જયારે હેરોદને માલૂમ પડ્યું કે માગીઓએ મને છેતર્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.

17ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે,

18"રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામા પ્રદેશમાં સંભળાયો. એટલે રાહેલ પોતાનાં બાળકો માટે રડતી પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા."

19હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે,

20'ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.'

21ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.

22પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો, તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો.

23તે 'નાઝારી કહેવાશે,' એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
div>