માથ્થી 4:1-25 GUBCS1970 - Bible AI

1પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા.

2ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી.

3પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.'

4પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, એમ લખેલું છે કે, 'માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.'

5ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઉભો રાખો;

6અને તેમને કહ્યું કે, 'જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, 'ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.'

7ઈસુએ તેને કહ્યું, એમ પણ લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.'

8ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું;

9અને તેને કહે છે કે, 'જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.'

10ત્યારે ઈસુ તેને કહે છે કે, 'અરે શેતાન, દૂર જા; કેમ કે લખેલું છે કે, 'પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.'

11ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

12યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા.

13પછી નાસરેથ મૂકીને ઝબુલોનનાં તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.

14એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે,

15'ઝબુલોનનાં પ્રાંતના, નફતાલીના પ્રાંતના, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલમાંના

16જે લોકો અંધકારમાં બેઠેલા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને મરણસ્થાનમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.'

17ત્યાર પછી ઈસુ પ્રગટ કરવા અને કહેવા લાગ્યા કે, 'પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'

18ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા.

19ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.'

20તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.

21ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને તેઓને પણ બોલાવ્યા.

22ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.

23ઈસુ સભાસ્થાનોમાં ઉપદેશ કરતા તથા રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા.

24ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, સઘળાં માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીથી પીડાતાઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈના રોગીઓને તથા લકવાગ્રસ્તોને તેઓ તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા.

25ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
div>