માર્ક 1:1-45 GUBCS1970 - Bible AI

1ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તાની શરૂઆત;

2જેમ યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે કે, 'જો, હું તારી આગળ મારા સંદેશવાહકને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે;

3અરણ્યમાં પોકારનારની વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો;

4એ પ્રમાણે યોહાન બાપ્તિસ્મા આપનાર અરણ્યમાં પાપોની માફીને સારુ પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો પ્રગટ થયો.

5આખા યહૂદિયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેમની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

6યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તે તીડ તથા રાની તેનો ખોરાક હતો.

7તેણે એવું પ્રગટ કર્યું કે, મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે; હું તો વાંકો વળીને તેમના ચંપલની દોરી છોડવા યોગ્ય નથી.

8હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.'

9તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા;

10પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા,

11અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, 'તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.'

12તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા;

13અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.

14યોહાનની ધરપકડ કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું કે,

15'સમય પૂરો થયો છે, ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.'

16તેમણે ગાલીલના સમુદ્રને કિનારે ચાલતાં સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયાં; કેમ કે તેઓ માછીમાર હતા.

17ઈસુએ તેઓને કહ્યું કે, 'મારી પાછળ આવો અને હું તમને માણસો પકડનારા કરીશ.'

18તરત તેઓ પોતાની જાળો પડતી મૂકીને તેમની સાથે ગયા.

19ત્યાંથી થોડે આગળ જતા તેમણે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને હોડીમાં જાળો સાંધતા જોયા.

20ઈસુએ તરત જ તેઓને બોલાવ્યા; અને તેઓ પોતાના બાપ ઝબદીને મજૂરોની સાથે હોડીમાં રહેવા દઈને તેમની પાછળ ગયા.

21તેઓ કપરનાહૂમમાં ગયા; અને તરત, વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને ઈસુએ બોધ આપ્યો.

22લોકો તેમના બોધથી આશ્ચર્ય પામ્યા; કેમ કે તેમણે તેઓને શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેની માફક બોધ કર્યો.

23તે જ સમયે તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડીને કહ્યું કે,

24'અરે, નાસરેથના ઈસુ, અમારે અને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.'

25ઈસુએ તેને ધમકાવતાં કહ્યું કે, 'ચૂપ રહે, અને તેનામાંથી નીકળી જા'.

26અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેનામાંથી નીકળી ગયો.

27બધા એવા અચરત થયા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા કે, 'આ શું છે? આ તો નવો બોધ છે! કેમ કે અધિકારથી તેઓ અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે અને તેઓ તેમનું માને છે.'

28તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.

29તેઓ તરત જ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા.

30હવે સિમોનની સાસુ તાવથી બીમાર હતી; અને તરત તેને વિષે તેઓએ ઈસુને કહ્યું.

31તેમણે પાસે આવીને તેનો હાથ પકડીને તેને ઉઠાડી; અને તે જ સમયે તેનો તાવ ઊતરી ગયો અને તેણે તેઓની સેવા કરી.

32સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા.

33બારણા આગળ આખું શહેર ભેગું થયું.

34ઘણાં જેઓ વિવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં; ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યાં. દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધાં નહિ.

35સવારે અજવાળું થતાં પહેલાં ઘણાં વહેલા ઊઠીને ઈસુ બહાર ગયા; અને ઉજ્જડ જગ્યાએ જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.

36સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની પાછળ ગયા;

37અને તેઓ તેમને મળીને કહે છે કે, 'બધા તમને શોધે છે.'

38તે તેઓને કહે છે કે, 'આપણે પાસેના ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.'

39આખા ગાલીલમાં તેઓનાં સભાસ્થાનોમાં જઈને તેઓ ઉપદેશ આપતા અને દુષ્ટાત્માઓને કાઢતાં હતા.

40એક કુષ્ઠ રોગી તેમની પાસે આવે છે અને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે કે, 'જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.'

41ઈસુને અનુકંપા આવી અને હાથ લાંબો કરીને તેને સ્પર્શ્યા. અને તેને કહ્યું કે, 'મારી ઇચ્છા છે, તું શુદ્ધ થા;'

42તે જ ઘડીએ તેનો કુષ્ઠ રોગ મટી ગયો અને તે શુદ્ધ થયો.

43તેમણે તેને સખત ચેતવણી આપીને તરત બહાર મોકલ્યો;

44અને કહ્યું કે, 'જોજે, કોઈને કંઈ કહેતો નહિ; પણ જઈને પોતાને યાજકને બતાવ અને મૂસાએ ફરમાવ્યા પ્રમાણે, તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.'

45પણ તે ત્યાંથી જઈને એ બિના એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો, કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગ્યાઓમાં રહ્યા અને ચારેબાજુથી લોકો તેમની પાસે આવ્યા.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>