4"જુલમીનો કેવો અંત આવ્યો છે, તેના ઉગ્ર ક્રોધનો કેવો અંત થયો છે!
5યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે,
6જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.
7આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે.
8હા, લબાનોનનાં દેવદાર અને એરેજવૃક્ષો તારે લીધે આનંદ કરે છે; તેઓ કહે છે, 'તું પડ્યો ત્યારથી કોઈ કઠિયારો અમારા ઉપર ચઢી આવ્યો નથી.'
9જ્યારે તું ઊંડાણમાં જાય ત્યારે શેઓલ તને ત્યાં મળવાને આતુર થઈ રહ્યું છે. તે તારે લીધે પૃથ્વીના સર્વ રાજાઓને તથા મૂએલાઓના આત્માઓને જાગૃત કરે છે, વિદેશીઓના સર્વ રાજાઓને તેમના રાજ્યાસન પરથી ઉતાર્યા છે.
10તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, 'તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે.
11તારા વૈભવને તથા તારા ગૌરવ માટે વાગતી વીણાના અવાજને શેઓલ સુધી ઉતારવામાં આવ્યા છે. તારી નીચે અળસિયાં પાથરેલાં છે અને કૃમિ તને ઢાંકે છે.'
12હે તેજસ્વી તારા, પ્રભાતના પુત્ર, તું ઊંચે આકાશમાંથી કેમ પડ્યો છે! બીજી પ્રજાઓ પર જય પામનાર, તને કેમ કાપી નાખીને જમીનદોસ્ત કરવામાં આવ્યો છે!
13તેં તારા હૃદયમાં કહ્યું હતું, 'હું આકાશમાં ઊંચે ચઢીશ અને ઈશ્વરના તારાઓ કરતાં પણ મારું સિંહાસન ઊંચું રાખીશ અને હું છેક ઉત્તરના છેડાના, સભાના પર્વત પર બેસીશ;
14હું સર્વથી ઊંચાં વાદળો પર ચઢી જઈશ; અને હું પોતાને પરાત્પર ઈશ્વર સમાન કરીશ.'
15તે છતાં તને શેઓલ સુધી નીચે, અધોલોકના તળિયે પાડવામાં આવ્યો છે!
16જ્યારે તેઓ તને જોશે તને નિહાળશે; તેઓ તારા વિશે વિચાર કરશે. તેઓ કહેશે કે 'શું આ એ જ માણસ છે, જેણે પૃથ્વીને થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,
17જેણે જગતને અરણ્ય જેવું કર્યું હતું, જેણે તેમનાં નગરો પાયમાલ કરી નાખ્યાં હતાં, જેણે પોતાના બંદીવાનોને છૂટા કરીને ઘરે જવા ન દીધા, તે શું આ છે?'
18સર્વ દેશોના રાજાઓ, તેઓ સર્વ, માનપૂર્વક, પોતપોતાની કબરમાં સૂતેલા છે.
19પરંતુ જેઓને તરવારથી વીંધીને મારી નાખવામાં આવ્યા છે, જેઓ ખાડાના પથ્થરોમાં ઊતરી જનારા છે, તેઓથી વેષ્ટિત થઈને તુચ્છ ડાળીની જેમ તને તારી પોતાની કબરથી દૂર ફેંકી દેવામાં આવ્યો છે.
20તું ખૂંદાયેલા મૃતદેહ જેવો છે, તને તેઓની સાથે દાટવામાં આવશે નહિ, કારણ કે તેં જ તારા દેશનો નાશ કર્યો છે. તેં જ તારા પોતાના લોકની કતલ કરી છે દુર્જનોનાં સંતાનના નામ ફરી કોઈ લેશે નહિ."
21તેઓના પિતૃઓના અન્યાયને લીધે તેઓના દીકરાઓને સંહાર માટે તૈયાર કરો, રખેને તેઓ ઊઠે અને પૃથ્વીનું વતન પામે, તથા જગતને નગરોથી ભરી દે.
22સૈન્યોના યહોવાહ કહે છે, "હું તેઓની સામે ઊઠીશ." "બાબિલમાંથી તેઓનું નામ તથા શેષ સંતાનોને કાપી નાખીશ," યહોવાહનું વચન એવું છે.
23"હું તેને પણ ઘુવડોનું વતન તથા પાણીનાં ખાબોચિયાં જેવું કરી દઈશ અને હું વિનાશના ઝાડુથી તેને સાફ કરી નાખીશ." આ સૈન્યોના યહોવાહનું વચન છે.
24સૈન્યોના યહોવાહે શપથ લીધા છે, "નિશ્ચિત, જે પ્રમાણે મેં ધારણા કરી છે, તે પ્રમાણે નક્કી થશે; અને મેં જે ઠરાવ કર્યો છે તે કાયમ રહેશે:
25એટલે મારા દેશમાં હું આશૂરનાં ટુકડેટુકડા કરીશ અને મારા પર્વતો પર હું તેને પગ નીચે ખૂંદી નાખીશ. ત્યારે તેની ઝૂંસરી તેઓ પરથી ઊતરી જશે અને તેનો ભાર તેઓના ખભા પરથી ઊતરી જશે."
26જે સંકલ્પ આખી પૃથ્વી વિષે કરેલો છે તે એ છે અને જે હાથ સર્વ દેશો સામે ઉગામેલો છે તે એ છે.
27કેમ કે સૈન્યોના યહોવાહે જે યોજના કરી છે; તેમને કોણ રોકશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?