યશાયા 23:1-18 GUBCS1970 - Bible AI

1તૂર વિષે ઈશ્વરવાણી: હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી; કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે.

2હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ, તમને પુરવઠો પૂરો પાડે છે.

3અને જળનિધિ પર શીહોર પ્રદેશનું અનાજ, નાઇલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વીદેશીઓનું બજાર હતું.

4હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે, "મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી."

5મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે.

6હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ.

7જેની પ્રાચીનતા પુરાતન છે, જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે?

8મુગટ આપનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે?

9સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા અને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે.

10હે તાર્શીશની દીકરી, નાઇલનદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી.

11યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.

12તેમણે કહ્યું, "સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કીત્તિમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ."

13કાસ્દીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.

14હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે.

15તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે:

16હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે.

17સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે.

18તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
div>