યશાયા 28:1-29 GUBCS1970 - Bible AI

1એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને, તેની તેજસ્વી સુંદરતાનાં લુપ્ત થતાં ફૂલોને, રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનારાં ચીમળાનાર ફૂલોને અફસોસ છે.

2જુઓ, પ્રભુનો એક પરાક્રમી અને સમર્થ વીર છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ પૃથ્વીને પોતાના હાથના જોરથી પછાડશે.

3એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને તે પગ નીચે પછાડાશે.

4અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે.

5તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે.

6જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા થશે અને શત્રુઓને દરવાજામાંથી પાછા મોકલનારને માટે સામર્થ્યરૂપ થશે.

7પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ઠોકર ખાધી છે અને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે અથડાયા કર્યા છે, તેઓ દ્રાક્ષારસમાં મગ્ન થયા છે. તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે, દર્શન વિષે તેઓ ભૂલથાપ ખાય છે અને ઇનસાફ આપવામાં ઠોકર ખાય છે.

8ખરેખર, ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કોઈ પણ જગા સ્વચ્છ રહી નથી.

9તે કોને ડહાપણ શીખવશે અને કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા સ્તનપાન છોડાવેલાઓને સમજાવશે?

10કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે.

11કેમ કે ઉપહાસ કરનાર હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે.

12પાછલા દિવસોમાં તેમણે તેઓને કહ્યું હતું, "આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; અને આ તાજગી છે," પણ તેઓએ સંભાળવા ચાહ્યું નહિ.

13તેથી યહોવાહના શબ્દો તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવા થશે; તેથી તેઓ રસ્તે ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, તૂટી જાય, ફસાઈ અને પકડાય.

14એ માટે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર, તિરસ્કાર કરનાર તમે યહોવાહનાં વચન સાંભળો:

15કેમ કે તમે કહ્યું છે, "અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ."

16તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, "જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.

17હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે.

18મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો.

19તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે.

20કેમ કે પથારી એટલી ટૂંકી છે કે તેના પર પગ લાંબો થઈ શકશે નહિ અને ચાદર એટલી સાંકડી છે કે તેનાથી શરીર ઢાંકી શકાશે નહિ."

21કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.

22તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે.

23કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો.

24શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે?

25જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું?

26કેમ કે તેનો ઈશ્વર તેને યોગ્ય રીત શીખવીને તેને ડહાપણ આપે છે.

27વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે.

28રોટલીનું ધાન્ય પિલાય છે શું? અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ.

29આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે, જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
div>