યશાયા 39:1-8 GUBCS1970 - Bible AI

1તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.

2હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંરૂપું, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.

3ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, "એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?" હિઝકિયાએ કહ્યું, "તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે."

4યશાયાએ પૂછ્યું, "તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?" હિઝકિયાએ કહ્યું, "મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય."

5ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, "સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:

6'જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.

7તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને જન્મ અપાશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં રાણીવાસના સેવકો થશે."

8ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, "યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે." કેમ કે તેણે વિચાર્યું કે, "મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>