યશાયા 6:1-13 GUBCS1970 - Bible AI

1ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના ઝભ્ભાની કિનારીથી સભાસ્થાન ભરાઈ ગયું હતું.

2તેમની આસપાસ સરાફો ઊભા હતા; તેઓને દરેકને છ છ પાંખો હતી; બેથી તે પોતાનાં મુખ ઢાંકતા, બેથી પોતાનાં પગ ઢાંકતા અને બેથી ઊડતા હતા.

3તેઓ એકબીજાને પોકારીને કહેતા, "પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સૈન્યોના યહોવાહ! આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર છે."

4પોકાર કરનારની વાણીથી ઉંબરાના પાયા હાલ્યા અને સભાસ્થાન ધુમાડાથી ભરાઈ ગયું.

5ત્યારે મેં કહ્યું,

5"મને અફસોસ છે! મારું આવી બન્યું છે કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં હું રહું છું, કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના યહોવાહને જોયા છે!"

6પછી સરાફોમાંનો એક, વેદી પરથી ચીપિયા વડે લીધેલો બળતો અંગાર હાથમાં રાખીને, મારી પાસે ઊડી આવ્યો.

7તેણે મારા મુખને તે અડકાડીને કહ્યું,

7"જો, આ તારા હોઠને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે."

8મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યા, "હું કોને મોકલું? અમારે માટે કોણ જશે?" ત્યારે મેં કહ્યું, "હું આ રહ્યો; મને મોકલો."

9ત્યારે પ્રભુએ કહ્યું, "જા, અને આ લોકોને કહે કે, સાંભળ્યા કરો, પણ ન સમજો; જોયા કરો, પણ ન જાણો.

10આ લોકોનાં મન જડ કરો અને તેઓના કાન બહેરા કરો અને આંખો અંધ કરો, રખેને તેઓ આંખોથી જુએ કે કાનથી સાંભળે અને મનથી સમજે અને પાછા ફરીને સાજા કરાય."

11ત્યારે મેં પૂછ્યું, "હે પ્રભુ, તે ક્યાં સુધી?" તેમણે કહ્યું, "જ્યાં સુધી નગરો વસ્તી વિનાનાં અને ઘરો માણસ વિનાનાં થાય અને ભૂમિ વેરાન થઈ જાય,

12અને યહોવાહ આ લોકોને દૂર કરે અને આખા દેશમાં મોટો ભાગ પડતર રહે ત્યાં સુધી.

13તે છતાં જો તેમાં લોકોનો દશમો ભાગ પણ રહે, તો તેનો ફરીથી વિનાશ કરવામાં આવશે; જેમ એલાહવૃક્ષ કે એલોન વૃક્ષ કાપી નાખવામાં આવ્યા પછી થડ રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ તેની જડમાં છે."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
iv>