યોએલ 1:1-20 GUBCS1970 - Bible AI

1યહોવાહનું જે વચન પથુએલના દીકરા યોએલ પાસે આવ્યું તે આ છે;

2હે વડીલો, તમે આ સાંભળો અને દેશના સર્વ વતનીઓ તમે પણ ધ્યાન આપો. આ તમારા સમયમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના સમયમાં?

3તમારાં સંતાનોને એ વિષે કહી સંભળાવો, અને તમારાં સંતાનો તેમના સંતાનોને કહે, અને તેઓના સંતાનો તેઓની પછીની પેઢીને તે કહી જણાવે.

4જીવડાંઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયાં; તીડોએ રહેવા દીધેલું તે કાતરાઓ ખાઈ ગયા; અને કાતરાઓએ રહેવા દીધેલું તે ઈયળો ખાઈ ગઈ છે.

5હે નશાબાજો, તમે જાગો અને વિલાપ કરો; સર્વ દ્રાક્ષારસ પીનારાઓ, પોક મૂકીને રડો, કેમ કે, સ્વાદિષ્ઠ દ્રાક્ષારસ તમારા મુખમાંથી લઈ લેવાયો છે.

6એક બળવાન પ્રજા કે જેના માણસોની સંખ્યા અગણિત છે. તે મારા દેશ પર ચઢી આવી છે. એ પ્રજાનાં દાંત સિંહના દાંત જેવા છે, તેની દાઢો સિંહણની દાઢો જેવી છે.

7તેણે મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારી અંજીરી છોલી નાખી છે. તેણે તેની છાલ સંપૂર્ણ ઉતારી નાખી છે અને તેની ડાળીઓને સફેદ કરી નાખી છે.

8જેમ કોઈ કુમારિકા પોતાના જુવાન પતિના અવસાનથી શોકનાં વસ્ત્રો પહેરીને વિલાપ કરે છે તેમ તમે વિલાપ કરો.

9યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણો અને પેયાર્પણો આવતાં નથી. યહોવાહના સેવકો, યાજકો, શોક કરે છે.

10ખેતરો લૂંટાઈ ગયાં છે, ભૂમિ શોક કરે છે. કેમ કે અનાજનો નાશ થયો છે. નવો દ્રાક્ષારસ સુકાઈ ગયો છે. તેલ સુકાઈ જાય છે.

11હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ. હે દ્રાક્ષવાડીના માળીઓ, ઘઉંને માટે તથા જવ માટે પોક મૂકો; કેમ કે ખેતરોના પાકનો નાશ થયો છે.

12દ્રાક્ષવેલા સુકાઈ ગયા છે અને અંજીરી પણ સુકાઈ ગઈ છે. દાડમડીના ખજૂરીનાં તેમ જ સફરજનનાં વૃક્ષોસહિત, ખેતરનાં બધાં વૃક્ષો સુકાઈ ગયાં છે. કેમ કે માનવજાતિના વંશજોમાંથી આનંદ જતો રહ્યો છે.

13હે યાજકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, તમારા વસ્ત્રોને બદલે હૃદય ફાળો. હે વેદીના સેવકો, તમે બૂમ પાડીને રડો. હે મારા ઈશ્વરના સેવકો, ચાલો, શોકના વસ્ત્રોમાં સૂઈ જઈને આખી રાત પસાર કરો. કેમ કે ખાદ્યાર્પણ કે પેયાર્પણ તમારા ઈશ્વરના ઘરમાં આવતાં બંધ થઈ ગયા છે.

14પવિત્ર ઉપવાસ કરો. અને ધાર્મિક સંમેલન ભરો, વડીલોને અને દેશના સર્વ રહેવાસીઓને તમારા ઈશ્વર યહોવાહના ઘરમાં ભેગા કરો, અને યહોવાહની આગળ વિલાપ કરો.

15તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાહનો દિવસ નજીક છે. તે દિવસ સર્વશક્તિમાન તરફથી વિનાશરૂપે આવશે.

16શું આપણી નજર સામેથી જ આપણું અન્ન નાશ થયું નથી? આપણા ઈશ્વરના મંદિરમાંથી આનંદ અને ઉત્સાહ જતાં રહ્યાં નથી?

17જમીનના દગડાં નીચે બી સડી જાય છે. અનાજના પુરવઠા ખાલી થઈ ગયા છે. કોઠારો તોડી નાખવામાં આવ્યા છે. કેમ કે અનાજ સુકાઈ ગયું છે.

18પશુઓ કેવી ચીસો પાડે છે! જાનવરોના ટોળાં નિસાસા નાખે છે. કેમ કે તેમને માટે બિલકુલ ઘાસચારો રહ્યો નથી. ઘેટાંનાં ટોળાંઓ નાશ પામે છે.

19હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું. કેમ કે અગ્નિએ વનનાં ગૌચરોને ભસ્મ કર્યા છે અને અગ્નિની જ્વાળાઓએ ખેતરનાં બધા વૃક્ષોને બાળી નાખ્યાં છે.

20હા, વનચર પશુઓ પણ હાંફીને તમને પોકારે છે, કેમ કે પાણીના વહેળાઓ સુકાઈ ગયા છે, અને અગ્નિએ વનનાં ગૌચરો ભસ્મ કર્યા છે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
v>