યોએલ 2:1-32 GUBCS1970 - Bible AI

1સિયોનમાં રણશિંગડું વગાડો, અને મારા પવિત્ર પર્વત પર ભયસૂચક નગારું વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો કેમ કે યહોવાહનો દિવસ આવે છે; તે દિવસ તદ્દન નજીક આવી પહોંચ્યો છે.

2અંધકાર અને વિષાદનો દિવસ, વાદળ અને અંધકારનો દિવસ. તે દિવસ પર્વતો પર દેખાતાં ઝળઝળાં જેવો થશે. એવું પહેલાં કદી બન્યું નથી કે, હવે પછી ઘણી પેઢીઓ સુધી, બીજી કોઈ પેઢીઓમાં કદી થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા આવશે.

3અગ્નિ તેઓની આગળ ભસ્મ કરે છે, અને તેઓની પાછળ જ્વાળાઓ બળે છે. તેઓની સમક્ષ ભૂમિ એદન બાગ જેવી છે, અને તેઓની પાછળ તે ઉજ્જડ અરણ્ય જેવી થાય છે. તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી.

4તેમનો દેખાવ ઘોડાઓનાં દેખાવ જેવો છે, અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે.

5પર્વતોનાં શિખરો પર ગડગડાટ રથોની જેમ ખૂંપરા ભસ્મ કરતી અગ્નિની જવાળાઓની જેમ અને યુદ્ધભૂમિમાં શક્તિશાળી સેનાની જેમતેઓ આગળ વધે છે.

6તેઓને જોતાં પ્રજાઓ ધ્રૂજી ઊઠે છે. અને ભયને કારણે સૌના ચહેરા નિસ્તેજ થઈ જાય છે.

7તેઓ સૈનિકોની માફક દોડે છે અને લડવૈયાની જેમ તેઓ કોટ ઉપર ચઢી જાય છે. તેઓ બધા પોતપોતાને માર્ગે ચાલે છે અને પોતાની હરોળ તોડતા નથી.

8તેઓ એકબીજાની સાથે ધક્કાધક્કી કરતા નથી, પણ સીધે માર્ગે જાય છે. તેઓ સૈન્ય મધ્યે થઈને પાર ધસી જાય છે. તેઓ પોતાનો માર્ગ બદલતા નથી.

9તેઓ નગરમાં ઉમટ્યા છે. તેઓ દીવાલો પર દોડે છે. તેઓ ઘરોની અંદર પેસી જાય છે. અને ચોરની જેમ અંદર બારીઓમાં થઈને પ્રવેશે છે.

10તેઓની આગળ ધરતી ધ્રુજે છે અને આકાશો થરથરે છે; સૂર્ય અને ચંદ્ર અંધારાઈ જાય છે અને તારાઓ ઝાંખા પડી જાય છે.

11યહોવાહ તેઓનાં સૈન્યોને મોટે સાદે પોકારે છે, તેઓનું સૈન્ય મોટું છે; અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તેઓ શક્તિશાળી છે. યહોવાહનો દિવસ ભારે અને ભયંકર છે તેને કોણ સહન કરી શકે?

12તોપણ હમણાં, યહોવાહ કહે છે, સાચા હૃદયથી તમે મારી પાસે પાછા આવો. ઉપવાસ કરો, રુદન અને વિલાપ કરો."

13તમારાં વસ્ત્રો નહિ પણ તમારા હૃદયો ફાળો, તમારા ઈશ્વર યહોવાહ પાસે પાછા ફરો, તેઓ દયાળુ અને કૃપાળુ છે, તેઓ કોપ કરવામાં ધીમા અને દયાના સાગર છે; વિપત્તિને લીધે તેમને પશ્ચાત્તાપ થાય છે.

14કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, અને પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાહને માટે ખાદ્યાર્પણ અને પેયાર્પણ રહેવા દે.

15સિયોનમાં રણશિંગડું વગાડો, પવિત્ર ઉપવાસ જાહેર કરો, અને ધાર્મિક સંમેલન ભરો.

16લોકોને ભેગા કરો, સમુદાયને પાવન કરો, વડીલોને ભેગા કરો, શિશુઓને એકઠા કરો અને સ્તનપાન કરતાં બાળકોને પણ ભેગા કરો. વર પોતાના ઓરડામાંથી બહાર આવે, અને કન્યા પોતાના લગ્ન મંડપમાંથી બહાર નીકળીને ત્યાં જાય.

17યાજકો, જેઓ યહોવાહના સેવકો છે, તેઓ પરસાળ અને વેદીની વચ્ચે રડો. તેઓ એમ કહે કે, હે યહોવાહ, તમારા લોકો પર દયા કરો, અને તમારા વારસાને બદનામ થવા ન દો, જેથી વિદેશીઓ તેમના પર રાજ ન કરે. દેશમાં એવું શા માટે કહેવા દેવામાં આવે કે, તેઓના ઈશ્વર કયાં છે?"

18ત્યારે યહોવાહને પોતાના લોકને માટે લાગણી થઈ, અને તેમને પોતાના લોકો પર દયા આવી.

19પછી યહોવાહે પોતાના લોકોને જવાબ આપ્યો; "જુઓ, હું તમારે માટે અનાજ, દ્રાક્ષારસ, અને તેલ મોકલીશ. તમે તેઓથી તૃપ્ત થશો. અને હું હવે પછી કદી તમને વિદેશીઓમાં નિંદાપાત્ર થવા દઈશ નહિ.

20પણ હું ઉત્તરના સૈન્યોને તમારામાંથી ઘણે દૂર હાંકી કાઢીશ અને હું તેઓને ઉજ્જડ તથા વેરાન દેશમાં મોકલી દઈશ. અને તેઓની અગ્ર હરોળના ભાગને સમુદ્રમાં, અને અંતિમ હરોળના સૈન્યને પશ્ચિમ સમુદ્ર તરફ ધકેલી દઈશ. તેની દુર્ગંધ ફેલાશે, અને તેની બદબો ઊંચી ચઢશે. હું મોટા કાર્યો કરીશ."

21હે ભૂમિ, ગભરાઈશ નહિ, હવે ખુશ થા અને આનંદ કર, કેમ કે યહોવાહે મહાન કાર્યો કર્યાં છે.

22હે વનચર પશુઓ, તમે ડરશો નહિ; કેમ કે ગૌચરની જગ્યાઓ ફરીથી હરિયાળી થશે. વૃક્ષો પોતાના ફળ ઉપજાવશે, અંજીરવૃક્ષો અને દ્રાક્ષાવેલાઓ ફરીથી ફળવંત થશે.

23હે સિયોનપુત્રો, ખુશ થાઓ, અને યહોવાહ તમારા ઈશ્વરના નામે આનંદ કરો. કેમ કે તે તમને શરૂઆતનો વરસાદ જોઈએ તેટલો મોકલી આપે છે. તે તમારા માટે વરસાદ વરસાવશે, એટલે પ્રારંભનો અને અંતનો વરસાદ અગાઉની જેમ વરસાવશે.

24ખળીઓ ફરીથી ઘઉંથી ભરાઈ જશે અને કુંડો જૈતતેલ અને દ્રાક્ષારસથી છલકાઈ જશે.

25"તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ, મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગઈ છે તે પાક હું તમને પાછો આપીશ.

26તમે પુષ્કળ ભોજનથી તૃપ્ત થશો, અને તમારા ઈશ્વર યહોવાહ જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે, તેમના નામની તમે સ્તુતિ કરશો, અને ફરી કદી મારા લોક શરમાશે નહિ.

27પછી તમને ખબર પડશે કે, હું ઇઝરાયલમાં છું, અને હું તમારો ઈશ્વર યહોવાહ છું, અને બીજા કોઈ ઈશ્વર નથી, અને મારા લોકો કદી શરમાશે નહિ.

28ત્યારે એમ થશે કે હું મારો આત્મા સર્વ મનુષ્ય પર રેડી દઈશ. તમારા દીકરાઓ અને દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે તમારા યુવાનોને સંદર્શનો થશે.

29વળી તે સમયે દાસો અને દાસીઓ ઉપર, હું મારો આત્મા રેડીશ.

30વળી હું પૃથ્વી પર અને આકાશમાં આશ્ચર્યજનક કાર્યો બતાવીશ, એટલે કે લોહી, અગ્નિ તથા ધુમાડાના સ્તંભો.

31યહોવાહનો મહાન અને ભયંકર દિવસ આવે તે પહેલાં, સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.

32તે સમયે એમ થશે કે, જે કોઈ યહોવાહને નામે વિનંતી કરશે તે ઉધ્ધાર પામશે. કેમ કે જેમ યહોવાહે કહ્યું છે તેમ, સિયોન પર્વત પર અને યરુશાલેમમાં કેટલાક બચી જશે, અને શેષમાંથી, જેને યહોવાહ બોલાવે છે તેઓનો પણ બચાવ થશે.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
v>