લૂક 19:1-48 GUBCS1970 - Bible AI

1ઈસુ યરીખોમાં થઈને જતા હતા.

2ત્યાં જાખ્ખી નામે એક પુરુષ હતો; તે મુખ્ય દાણી હતો, અને શ્રીમંત હતો.

3તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે, પણ ભીડને લીધે તે તેમને જોઈ શક્યો નહિ, કેમ કે તે નીચા કદનો હતો.

4તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારુ ગુલ્લર ઝાડ પર તે ચડ્યો; ઈસુ તે રસ્તે થઈને પસાર થવાનાં હતા.

5તે જગ્યાએ ઈસુ આવ્યા. તેમણે ઊંચે જોઈને કહ્યું, 'જાખ્ખી, તું જલદી નીચે ઊતરી આવ, મારો આજનો ઉતારો તારે ઘરે છે.'

6તે જલદી નીચે ઊતર્યો. તેણે આનંદથી ઈસુને આવકાર્યા.

7બધાએ તે જોઈને કચકચ કરી કે, ઈસુ પાપી માણસને ઘરે મહેમાન તરીકે રહેવા ગયો છે.

8જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે, 'પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપું છું; અને જો અન્યાયથી મેં કોઈનાં નાણાં પડાવી લીધા હોય તો હું ચારગણાં પાછા આપીશ,'

9ઈસુએ તેને કહ્યું કે, 'આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે, કારણ કે જાખ્ખી પણ ઇબ્રાહિમનો દીકરો છે.

10કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારુ માણસનો દીકરો આવ્યો છે.'

11તેઓ આ વચન સાંભળતાં હતા, ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું, કેમ કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા, અને તેઓ એમ ધારતા હતા કે, ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે.

12માટે ઈસુએ કહ્યું કે, 'એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઇરાદાથી દૂર દેશ ગયો.

13તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મહોર આપીને તેઓને કહ્યું કે, હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો.

14પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા, અને તેની પાછળ એલચીઓને મોકલીને કહેવડાવ્યું કે, 'એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઇચ્છતા નથી.'

15એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો, ત્યારે જે નોકરોને તેણે નાણું આપ્યું હતું, તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું, એ માટે કે તેઓ શું શું કમાયા, તે એ જાણે.

16ત્યારે પહેલાએ તેની પાસે આવીને કહ્યું કે, 'માલિક, તમારી એક મહોરે બીજી દસ મહોર પેદા કરી છે.

17તેણે તેને કહ્યું કે, 'શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે, માટે દસ શહેરોનો અધિકારી થા.'

18બીજાએ આવીને કહ્યું કે, 'શેઠ, તમારી એક મહોરે પાંચ મહોર પેદા કરી છે.'

19તેણે તેને પણ કહ્યું કે, 'તું પણ પાંચ શહેરનો ઉપરી થા.'

20બીજા નોકરે આવીને કહ્યું કે, 'માલિક, જુઓ, તમારી મહોર આ રહી, મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી,

21કારણ કે તમારી મને બીક લાગતી હતી, કેમ કે તમે કડક માણસ છો; તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો, અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો.'

22કુલવાન માણસે તેને કહ્યું, 'ઓ દુષ્ટ નોકર, તારા પોતાના મુખથી હું તારો ન્યાય કરીશ; હું કડક માણસ છું, જે મૂક્યું ન હોય, તે હું ઉઠાવું છું, અને જે વાવ્યું ન હોય તે કાપું છું, એમ તું જાણતો હતો;

23માટે તેં શાહુકારને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું, કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત.

24પછી જેઓ પાસે ઊભા હતા તેઓને તેણે કહ્યું કે, તેની પાસેથી તે મહોર લઈ લો, અને જેની પાસે દસ મહોર છે તેને આપો.'

25તેઓએ તેને કહ્યું કે, 'માલિક, તેની પાસે તો દસ મહોર છે!'

26હું તમને કહું છું કે, જે કોઈની પાસે છે, તેને અપાશે, અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

27પરંતુ આ મારા વૈરીઓ કે જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું, તેઓને અહીં પકડી લાવો, અને મારી આગળ મારી નાખો.'

28એમ કહ્યાં પછી તે યરુશાલેમને માર્ગે તેમની આગળ ચાલવા લાગ્યા.

29એમ થયું કે ઈસુ બેથફાગે તથા બેથાનિયા પાસે જૈતૂન નામના પહાડ આગળ આવ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને એવું કહી મોકલ્યા કે,

30'તમે સામેના ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ગધેડાનું એક વછેરું બાંધેલું તમને મળશે, તેના પર કોઈ માણસ કદી બેઠું નથી; તેને છોડી લાવો.

31જો કોઈ તમને પૂછે કે, તેને કેમ છોડો છો? તો એમ કહો કે, પ્રભુને તેની જરૂર છે.'

32જેઓને મોકલ્યા તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું.

33તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે, તમે વછેરાને કેમ છોડો છો?'

34તેઓએ કહ્યું કે, 'પ્રભુને તેની જરૂર છે.'

35તેઓ તેને ઈસુની પાસે લાવ્યા, અને વછેરા પર પોતાનાં કપડાં નાખીને ઈસુને તેના પર સવાર થયા.

36ઈસુ જતા હતા ત્યારે લોકોએ પોતાનાં કપડાં માર્ગમાં પાથર્યાં.

37ઈસુ નજીકમાં જૈતૂન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યાં, ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયાં હતાં, તે સઘળાંને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષ કરીને ઊંચે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે,

38'પ્રભુને નામે જે રાજા આવે છે તે આશીર્વાદિત છે! આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા!'

39લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે, 'ઉપદેશક, તમારા શિષ્યોને ધમકાવો.'

40ઈસુએ ઉત્તર આપ્યો કે, 'હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.'

41ઈસુ પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા, અને કહ્યું કે,

42'હે યરુશાલેમ, જો તેં, હા તેં, શાંતિને લગતી જે બાબતો છે તે જો તેં આજે જાણી હોત તો કેવું સારું! પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલી છે.

43કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જયારે તારા વૈરીઓ તારી સામે મોરચો માંડશે. તને ઘેરી લેશે, અને ચારેબાજુથી તને દબાવશે.

44તેઓ તને તથા તારી સાથે રહેતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે, અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ, કેમ કે તારી કૃપાદ્રષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.'

45ઈસુ ભક્તિસ્થાનમાં ગયા અને ત્યાંનાં દુકાનદારોને અંદરથી કાઢી મૂક્યાં.'

46તેણે તેઓને કહ્યું કે, એમ લખ્યું છે કે, 'મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે, પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.'

47ઈસુ રોજ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા, પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના આગેવાનો તેમને મારી નાખવાની કોશિશ કરતા હતા;

48શું કરવું તે તેઓને સમજાયું નહિ; કેમ કે બધા લોકો એક ચિત્તે ઈસુને સાંભળતાં હતા.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
v>