1 શમુએલ 6:1-21 GUBCS1970 - Bible AI

1ઈશ્વરનો કોશ પલિસ્તીઓના દેશમાં સાત મહિના રહ્યો.

2પલિસ્તીઓએ યાજકોને તથા શુકન જોનારાઓને બોલાવીને; તેઓને કહ્યું કે, "ઈશ્વરના કોશનું અમે શું કરીએ? અમે તેને તેની જગ્યાએ કેવી રીતે મોકલીએ એ અમને જણાવો."

3તેઓએ કહ્યું, "જો તમે ઇઝરાયલના ઈશ્વરનો કોશ પાછો મોકલો, તો તેને કશું અર્પણ કર્યા વિના મોકલશો નહિ; નિશ્ચે તેની સાથે દોષાર્થાર્પણ મોકલજો. તો જ તમે સાજા થશો, અને તમને સમજાશે કે તેમનો હાથ અત્યાર સુધી તમારા ઉપરથી કેમ દૂર થયો નથી."

4ત્યારે તેઓએ કહ્યું, "અમે તેમને કેવું દોષાર્થાર્પણ મોકલીએ?" તેઓએ કહ્યું, પલિસ્તીઓના અધિકારીઓની ગણના પ્રમાણે સોનાની પાંચ ગાંઠો, સોનાનાં પાંચ ઉંદરો મોકલો; કેમ કે તમને સર્વને તથા તમારા અધિકારીઓને એક જ જાતનો રોગ લાગ્યો છે.

5માટે તમારી ગાંઠોની અને તમારા ઉંદરો જે દેશમાં રંજાડ કરે છે, તેઓની પ્રતિમા બનાવીને ઇઝરાયલનાં ઈશ્વરને મહિમા આપો. કદાચ તે પોતાનો હાથ તમારા ઉપરથી, તમારા દેવો ઉપરથી અને દેશ પરથી ઉઠાવી લે.

6મિસરીઓએ અને ફારુને પોતાના હૃદય કઠણ કર્યા તેમ તમે તમારાં અંતઃકરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદ્દભૂત કૃત્યો કર્યા અને તેઓએ લોકોને જવા દીધા અને પછી તેઓ ગયા.

7તો હવે એક, નવું ગાડું તૈયાર કરો, બે દૂઝણી ગાયો, જેઓ ઉપર કદી ઝૂંસરી મૂકાઈ ન હોય તે લો. ગાયોને તે ગાડા સાથે જોડો, પણ તેઓના વાછરડા તેઓથી દૂર લઈ ઘરે લાવો.

8પછી ઈશ્વરનો કોશ લઈને તે ગાડા ઉપર મૂકો. જે સોનાના દાગીના તમે દોષાર્થાર્પણ તરીકે તેની પ્રત્યે મોકલો છો તેઓને તેની બાજુએ એક ડબ્બામાં મૂકો અને તેને વિદાય કરો કે પોતાના રસ્તે જાય.

9પછી જુઓ; તે પોતાના માર્ગે બેથ-શેમેશ તરફ જાય, તો તે જ ઈશ્વર આપણા પર આ મોટી આફત લાવ્યા છે. પણ જો તેમ નહિ, તો આપણે જાણીશું કે તેમના હાથે આપણને દુઃખી કર્યા નથી; પણ છતાં, ઈશ્વરે નિર્મિત કર્યા મુજબ એ આપણને થયું હતું."

10તે માણસોએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું; એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને, તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાને ઘરમાં બંધ રાખ્યા.

11તેઓએ ઈશ્વરના કોશને ગાડામાં મૂક્યો, સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા ડબ્બામાં રાખીને તેની સાથે ગાડામાં મૂક્યાં.

12ગાયો સીધી બેથ-શેમેશના રસ્તા તરફ ગઈ. તેઓ એક રાજમાર્ગે ચાલતી અને બૂમો પાડતી ગઈ અને તેઓ જમણી કે ડાબી ગમ વળી જ નહિ. અને પલિસ્તીઓના અધિકારીઓ તેઓની પાછળ બેથ-શેમેશની સીમા સુધી ગયા.

13હવે બેથ-શેમેશના લોકો ખીણમાં ઘઉં કાપતા હતા. તેઓએ પોતાની આંખો ઊંચી કરીને કોશ જોયો અને તેઓ આનંદ પામ્યા.

14તે ગાડું બેથ-શેમેશીના નગરમાંથી યહોશુઆના ખેતરમાં આવ્યું અને ત્યાં થોભ્યું. એક મોટો પથ્થર ત્યાં હતો, તેઓએ ગાડામાં લાકડાં ચીરીને, ઈશ્વર આગળ તે ગાયોનું દહનીયાર્પણ કર્યું.

15લેવીઓએ ઈશ્વરના કોશને તથા તેની સાથેની દાગીનાની પેટીને જેને સોનાનો આકડો હતો, તેઓને મોટા પથ્થર પર તેને મૂક્યો. બેથ-શેમેશના માણસોએ તે જ દિવસે ઈશ્વરને દહનીયાર્પણો કર્યા તથા બલિદાનો ચઢાવ્યાં.

16પલિસ્તીઓના પાંચ અધિકારીઓએ આ જોયું, તેજ દિવસે તેઓ એક્રોનમાં પાછા આવ્યા.

17સોનાની ગાંઠો પલિસ્તીઓએ દોષાર્થાર્પણ માટે પાછી ઈશ્વરને આપી હતી તે આ હતી: આશ્દોદની એક, ગાઝાની એક, એક આશ્કલોનની, ગાથની એક, એક્રોનની એક.

18જે મોટા પથ્થર પર તેઓએ ઈશ્વરનો કોશ મૂક્યો હતો, જે આજદિન સુધી યહોશુઆ બેથ-શેમેશીના ખેતરમાં છે તે પથ્થર સુધીના પલિસ્તીઓનાં સર્વ કિલ્લાવાળાં નગરો તથા સીમનાં ગામડાંઓ જે તે પાંચ સરદારોના હતાં, તે પલિસ્તીઓનાં પાંચ અધિકારીઓની સંખ્યા મુજબ સોનાના ઉંદરો હતા.

19ઈશ્વરે બેથ-શેમેશના માણસો પર હુમલો કર્યો, કેમ કે તેઓએ ઈશ્વરના કોશમાં જોયું, તેમણે પચાસ હજાર અને સિત્તેર માણસોને મારી નાખ્યા. લોકોએ વિલાપ કર્યો, કેમ કે ઈશ્વરે તેમને મારીને મોટો સંહાર કર્યો હતો.

20બેથ-શેમેશના માણસોએ કહ્યું કે, "કોણ આ પવિત્ર પ્રભુ ઈશ્વરની આગળ ઊભું રહેવા સક્ષમ છે? અમારી પાસેથી કોને ત્યાં તે જાય?"

21તેઓએ કિર્યાથ-યારીમના લોકો પાસે સંદેશવાહકો મોકલીને કહેવડાવ્યું કે, "પલિસ્તીઓ ઈશ્વરના કોશને પાછો લાવ્યા છે; તમે નીચે આવીને તે તમારે ત્યાં લઈ જાઓ."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>