1 શમુએલ 8:1-22 GUBCS1970 - Bible AI

1જયારે શમુએલ વૃદ્ધ થયો, ત્યારે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયલ ઉપર ન્યાયાધીશો બનાવ્યાં.

2તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબિયા હતું. તેઓ બેર-શેબામાં ન્યાયાધીશો હતા.

3તેના દીકરાઓ તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા. તેઓએ લાંચ લઈને ન્યાયપ્રક્રિયાને ભ્રષ્ટ કરી.

4પછી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને શમુએલ પાસે રામામાં આવ્યા.

5તેઓએ તેને કહ્યું, "જો, તું વૃદ્ધ થયો છે અને તારા દીકરાઓ તારા માર્ગમાં ચાલતા નથી. સર્વ દેશોની જેમ અમારો ન્યાય કરવા સારુ અમને એક રાજા નીમી આપ."

6પણ શમુએલ તેઓનાથી નાખુશ થયો, જયારે તેઓએ કહ્યું, "અમારો ન્યાય કરવા સારુ અમને રાજા આપ." ત્યારે શમુએલે ઈશ્વરને પ્રાર્થના કરી.

7ઈશ્વરે શમુએલને કહ્યું, "લોકો જે સર્વ બાબતો તને કહે છે તેમાં તેઓનું કહેવું તું સ્વીકાર; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ તેઓ પર હું રાજ કરું તે માટે મને નકાર્યો છે.

8હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, મને છોડીને, અન્ય દેવોની સેવા કરી છે, તે પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.

9હવે તેઓનું સાંભળ; પણ તેઓને ગંભીરતાપૂર્વક ચેતવણી આપ અને તેમને જણાવ કે તેઓ પર કેવા પ્રકારના રાજા રાજ્ય કરશે."

10જેથી શમુએલે તેને ઈશ્વરે જે કહ્યું તે જેઓ રાજા માંગતા હતા તેઓને જણાવ્યું.

11તેણે કહ્યું, "જે રાજા તમારા પર શાસન કરશે તે આવો થશે. તે તમારા દીકરાઓને પકડીને પોતાના રથોને સારુ તેઓને નીમશે અને તેઓને પોતાના ઘોડેસવારો કરશે, તેના રથો આગળ તેઓ દોડશે.

12તે પોતાને માટે હજાર ઉપર અને પચાસ ઉપર મુકાદમ સરદારો નીમશે. અને કેટલાકને પોતાની જમીન ખેડવા, કેટલાકને તેના પાકને ભેગો કરવા, કેટલાકને યુદ્ધમાં હથિયાર બનાવવા અને તેના રથોનાં સાધનો બનાવવાના કામે લગાડશે.

13તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.

14તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.

15તે તમારા અનાજમાંથી અને તમારી દ્રાક્ષાવાડીઓમાંથી દસમો ભાગ લઈને પોતાના અધિકારીઓને તથા પોતાના ચાકરોને આપશે.

16તે તમારા દાસોને, તમારી દાસીઓને, તમારા શ્રેષ્ઠ જુવાન પુરુષોને અને તમારા ગધેડાંઓને લઈ લેશે અને પોતાના કામે લગાડશે.

17તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.

18તમારા પસંદ કરેલા રાજાને કારણે તમે મને તે દિવસે પોકારશો; પણ ઈશ્વર તે દિવસે તમને ઉત્તર આપશે નહિ."

19પણ લોકોએ શમુએલ તરફથી આ બધું સંભાળવાની ના પાડી; તેઓએ કહ્યું, "એમ નહિ! અમારે તો અમારા ઉપર રાજા જોઈએ જ

20તેથી અમે પણ અન્ય પ્રજાઓના જેવા થઈએ, અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે અને અમારા યુદ્ધોમાં લડાઈ કરે."

21ત્યારે શમુએલે લોકોનાં સર્વ શબ્દો સાંભળીને તેણે ધીમે અવાજે તે ઈશ્વરને કહી સંભળાવ્યા.

22ઈશ્વરે શમુએલને કહ્યું, "તેઓની વાણી સાંભળ અને તેઓને સારુ રાજા ઠરાવી આપ." તેથી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, "દરેક માણસ પોતપોતાના નગરમાં જાઓ."

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>