2 રાજઓ 22:1-20 GUBCS1970 - Bible AI

1યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.

2તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.

3યોશિયા રાજાના અઢારમા વર્ષે એવું બન્યું કે, તેણે મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન નાણાંમંત્રીને યહોવાહના ઘરમાં એમ કહીને મોકલ્યો કે,

4"મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, જે નાણાં યહોવાહના ઘરમાં લાવવામાં આવ્યાં છે, દ્વારરક્ષકોએ જે નાણાં લોકો પાસેથી ભેગા કર્યાં છે તેની ગણતરી તે કરે.

5તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.

6તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા.

7જે નાણાં તેઓને આપવામાં આવતાં તેનો હિસાબ તેઓની પાસેથી લેવામાં આવતો નહિ. કેમ કે, તેઓ વિશ્વાસુપણે વર્તતા હતા.

8મુખ્ય યાજક હિલ્કિયાએ નાણાંમંત્રી શાફાનને કહ્યું, "મને યહોવાહના સભાસ્થાનમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે." હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું અને તેણે તે વાંચ્યું.

9પછી શાફાને જઈને રાજાને પુસ્તક આપીને કહ્યું કે, "તમારા ચાકરોને જે નાણાં સભાસ્થાનમાંથી મળ્યાં, તે તેમણે સભાસ્થાનની સંભાળ રાખનાર કામદારોને આપી દીધાં છે."

10પછી નાણાંમંત્રી શાફાને રાજાને કહ્યું, "હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે." શાફાને તે રાજાની આગળ વાંચ્યું.

11રાજાએ નિયમશાસ્ત્રનાં પુસ્તકનાં વચનો સાંભળ્યાં ત્યારે એવું બન્યું કે, તેણે પોતાનાં વસ્ત્રો ફાડ્યાં

12રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, નાણાંમંત્રી શાફાનને તથા પોતાના ચાકર અસાયાને આજ્ઞા કરી,

13"જાઓ અને આ મળેલાં પુસ્તકનાં વચનો વિષે મારા માટે, મારા લોકો માટે અને યહૂદિયા માટે યહોવાહને પૂછો. કેમ કે, આપણા વિષે જે બધું તે પુસ્તકમાં લખેલું છે તે પાળવા માટે આ પુસ્તકનાં વચનને આપણા પિતૃઓએ સાંભળ્યું નથી, તે કારણથી યહોવાહનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે."

14માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા અસાયા વસ્ત્રભંડારના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની પત્ની પ્રબોધિકા હુલ્દા પાસે ગયા. તે યરુશાલેમમાં બીજા વિસ્તારમાં રહેતી હતી, તેઓએ તેની સાથે વાત કરી.

15તેણે તેઓને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવાહ એમ કહે છે, "તમને મારી પાસે મોકલનાર માણસને કહો કે,

16"યહોવાહ એવું કહે છે, "જુઓ, યહૂદિયાના રાજાએ આ બધાં વચનો તે પુસ્તકમાં વાંચ્યાં તે પ્રમાણે, હું આ દેશ અને તેના રહેવાસીઓ પર આપત્તિ લાવીશ.

17કેમ કે, તેઓએ મને તજી દઈને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યું છે. આ બધાં કુકર્મોથી તેઓએ મને ગુસ્સે કર્યો છે, માટે આ જગા પર મારો ગુસ્સો પ્રગટશે અને શાંત થશે નહિ."

18પણ યહૂદિયાના રાજા જેણે તને યહોવાહની ઇચ્છા જાણવા મોકલ્યો છે, તેને એમ કહેજે, ઇઝરાયલના ઈશ્વર યહોવાહ તમે સાંભળેલી વાતો વિષે એમ કહે છે કે,

19હું આ જગા વિષે તથા તેમાંના રહેવાસીઓ વિષે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શ્રાપિત થશે તે સાંભળીને તમારું હૃદય નમ્ર થયું, તું યહોવાહ આગળ દિન થયો, તારાં વસ્રો ફાડીને મારી આગળ રડ્યો, માટે મેં તારું પણ સાંભળ્યું. આ યહોવાહનું નિવેદન છે.

20'જો, હું તને તારા પિતૃઓ ભેગો મેળવી દઈશ, તું શાંતિમાં પોતાની કબરમાં જશે. જે સઘળી આપત્તિ હું આ દેશ અને તેના રહેવાસીઓ પર લાવીશ, તે તારી આંખો જોશે નહિ." તેઓ આ ખબર લઈને રાજા પાસે પાછા ગયા.

© 2017 Bridge Communications Systems. Released under the Creative Commons Attribution Share-Alike license 4.0.
/div>